<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

તાઇવાનમાં કુદરતનો પ્રકોપ: ૭.૦ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠ્યો ટાપુ; રાજધાની તાઇપેઈમાં ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની જેમ હચમચી!

ઉત્તર-પૂર્વીય કિનારે દરિયાની અંદર ૭૩ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું ભૂકંપનું કેન્દ્ર; લોકોમાં ફેલાયો ભારે ફફડાટ, સુનામીની આશંકા વચ્ચે તંત્ર એલર્ટ

તાઇપેઈ: તાઇવાનમાં આજે રાત્રે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે તાઇવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારમાં ૭.૦ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર ટાપુ હચમચી ઉઠ્યો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે રાજધાની તાઇપેઈમાં આવેલી મોટી ઇમારતો પણ ધ્રૂજવા લાગી હતી, જેના કારણે ગભરાયેલા લોકો ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
ઊંડો ભૂકંપ પણ પ્રચંડ અસર
તાઇવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ ૭૩ કિમી (૪૫ માઇલ) ની ઊંડાઈએ નોંધાયું હતું. સામાન્ય રીતે વધુ ઊંડાઈએ આવતા ભૂકંપથી ઉપરની સપાટી પર નુકસાન ઓછું થાય છે, પરંતુ ૭.૦ ની તીવ્રતા હોવાને કારણે સમગ્ર ઉત્તરપૂર્વીય પટ્ટામાં લાંબા સમય સુધી જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી.
તાઇપેઈમાં ગભરાટનો માહોલ
ભૂકંપના સમયે રાજધાની તાઇપેઈના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇમારતો સેકન્ડો સુધી હચમચતી રહી હતી. લિફ્ટ અને મેટ્રો સેવાઓને સાવચેતીના ભાગરૂપે અટકાવી દેવામાં આવી છે. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ મળ્યા નથી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા નુકસાનની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
સુનામીની આશંકા અને એલર્ટ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ આવતા સામાન્ય રીતે સુનામીનો ખતરો રહેતો હોય છે. તાઇવાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે દરિયાકાંઠાના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપી છે. ટાઇવાન એ પેસિફિક "રિંગ ઓફ ફાયર" પર સ્થિત હોવાથી ત્યાં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે, પરંતુ ૭.૦ ની તીવ્રતાના આંચકાને કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે, કારણ કે અત્યારે રાહત અને બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય થઈ ગઈ છે.

(10:41 PM IST)