તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Sunday, 28th December 2025
જમ્મુ-કાશ્મીરમાં વહેશે વિકાસની સરવાણી: રિયાસીમાં ૩૨૦ 'સ્માર્ટ ઘરો' સાથે આફતગ્રસ્ત પરિવારોના સપના થશે સાકાર; ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કર્યો શિલાન્યાસ
સરકારી તિજોરી પર એક પણ રૂપિયાના બોજ વગર HRDS ઇન્ડિયાના સહયોગથી બનશે અત્યાધુનિક આવાસ - ૩ બેડરૂમ, ગૌશાળા અને ૧૫ વર્ષનો મફત વીમો: માત્ર ૬ મહિનામાં તૈયાર થશે પ્રિફેબ્રિકેટેડ સ્માર્ટ હોમ્સ

રિયાસ : જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે રિયાસી જિલ્લામાં એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. પૂર અને ભૂસ્ખલનને કારણે જેમના મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા, તેવા ૩૨૦ પરિવારો માટે હાઈ-ટેક 'સ્માર્ટ ઘરો'ના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ૩૨ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ મકાનો માટે સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં આવશે નહીં.
HRDS ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ ભંડોળ અને સામાજિક સુરક્ષા
આ માનવતાવાદી પહેલ 'હાઇ-રેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી' (HRDS ઇન્ડિયા) દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સંસ્થા માત્ર આધુનિક પ્રિફેબ્રિકેટેડ મકાનો જ નહીં, પરંતુ લાભાર્થી પરિવારોને વ્યાપક સામાજિક સુરક્ષા કવચ પણ પૂરું પાડશે. જેમાં પરિવારના તમામ સભ્યો માટે ૧૫ વર્ષનો મફત જીવન વીમો, વાર્ષિક હેલ્થ ચેકઅપ અને આગામી ૫ વર્ષ સુધી મકાનોની મફત જાળવણીનો સમાવેશ થાય છે.
ટેકનોલોજી અને પરંપરાનો સમન્વય
આ સ્માર્ટ હાઉસીસ માત્ર રહેવા માટેના મકાનો નથી, પણ તે આધુનિક ટેકનોલોજી અને ગ્રામીણ જરૂરિયાતોનું મિશ્રણ છે. દરેક મકાનમાં ૩ બેડરૂમ હશે અને ગ્રામીણ આજીવિકાને વેગ આપવા માટે તેમાં ખાસ 'ગૌશાળા'ની સુવિધા પણ રાખવામાં આવી છે. આ મકાનો પાયાનું કામ શરૂ થયાના માત્ર ૬ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.
સીમાવર્તી વિસ્તારો પર વિશેષ ધ્યાન
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ નોંધ્યું હતું કે અગાઉ કિશ્તવાડ, રાજૌરી, પૂંચ અને કઠુઆ જેવા ૮ જિલ્લાઓમાં પાકિસ્તાની ગોળીબાર અને કુદરતી આફતોથી પ્રભાવિત પરિવારો માટે ૧૮૬૯ મકાનોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરના દરેક નાગરિક સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવાનો અને પ્રભાવિત પરિવારોને ફરીથી ગૌરવભેર જીવન જીવવાની તક આપવાનો છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
