News of Saturday, 27th December 2025
ગુજરાત ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : ગુજરાત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કરી પ્રદેશના નવા પદાધિકારીઓની ફોજ : જાણો કોને મળ્યું કયું સ્થાન
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનની સહમતીથી ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીઓની કરાઈ નિમણૂક : હેમાંગ જોષીને યુવા મોરચા અને ગણપત વસાવાને એસ.ટી. મોરચાની કમાન સોંપાઈ : અનિલ પટેલ મુખ્ય પ્રવક્તા અને પ્રશાંત વાળા મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમાયા

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરી નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ પ્રદેશના નવા ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.
નવા નિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખો:
પ્રદેશના માળખામાં ૧૦ ઉપપ્રમુખોની વરણી કરાઈ છે, જેમાં પંચમહાલના જયદ્રથસિંહ પરમાર, પોરબંદરના રમેશભાઈ પડક, અમદાવાદ જિલ્લાના ભરતભાઈ પંડયા, જૂનાગઢ જિલ્લાના રાજેશભાઈ ચુડાસ્મા, મહેસાણાના નટજી ઠાકોર, છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવા, સુરેન્દ્રનગરના ગૌતમભાઈ ગેડીયા, વલસાડના અરવિંદભાઈ પટેલ, વડોદરા જિલ્લાના રસિકભાઈ પ્રજાપતિ અને સુરત શહેરના ઝંખનાબેન પટેલનો સમાવેશ થાય છે.
મહામંત્રી અને મંત્રી મંડળ:
સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવતા ૪ મહામંત્રીઓમાં કચ્છના અનિરુદ્ધભાઈ દવે, રાજકોટ જિલ્લાના ભરતભાઈ કોરાટ, ખેડાના અજયભાઈ બ્રહ્મભટ્ટ અને સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણને સ્થાન મળ્યું છે. જ્યારે ૧૦ મંત્રી તરીકે દાહોદના શંકરભાઈ આંબલિયાર, બનાસકાંઠાના ડૉ. સંજયભાઈ દેસાઈ, આણંદના નીરવભાઈ અમીન, તાપીના કૈલાશબેન ગામીત, મહીસાગરના મુક્તિબેન મયંકકુમાર જોષી, વલસાડના સોનલબેન સોલંકી, સાબરકાંઠાના પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, મહેસાણાના સીતાબેન પટેલ, જામનગરના આશાબેન નકુમ અને બનાસકાંઠાના પ્રીતિ હરજીવનભાઈ પટેલની પસંદગી કરાઈ છે.
નાણાકીય અને કાર્યાલય જવાબદારી:
પક્ષના કોષાધ્યક્ષ તરીકે કર્ણાવતીના ડૉ. પરિન્દુ ભગત અને સહ-કોષાધ્યક્ષ તરીકે મોરબીના મોહનભાઈ કુંડારીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના શ્રીનાથભાઈ શાહને કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપાઈ છે.
વિવિધ મોરચાના નવા સુકાનીઓ:
ભાજપના વિવિધ સેલ અને મોરચામાં પણ ધરખમ ફેરફાર કરાયા છે. વડોદરા શહેરના ડૉ. હેમાંગભાઈ જોષીને યુવા મોરચાના પ્રમુખ અને સુરત શહેરના અંજુબેન વેકરીયાને મહિલા મોરચાના પ્રમુખ બનાવાયા છે. કિસાન મોરચામાં અમરેલીના હિરેનભાઈ હિરપરા, ઓ.બી.સી. મોરચામાં ગીર સોમનાથના માનસિંહ પરમાર, એસ.સી. મોરચામાં કર્ણાવતીના ડૉ. કિરીટભાઈ સોલંકી, એસ.ટી. મોરચામાં સુરત જિલ્લાના ગણપતભાઈ વસાવા અને લઘુમતી મોરચામાં ભાવનગર શહેરના નાઝિન કાઝીની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત, ડૉ. અનિલ પટેલને મુખ્ય પ્રવક્તા અને પ્રશાંતભાઈ વાળાને મીડિયા ઈન્ચાર્જ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ‘શ્રી કમલમ્’ ખાતેથી જારી કરાયેલી આ યાદી બાદ આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
