News of Sunday, 28th December 2025
અમેરિકામાં 'ઈન્સરેક્શન એક્ટ' પર સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: રાષ્ટ્રપતિની સત્તા અંગે નવી ચર્ચા શરૂ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સેનાના ઉપયોગ અંગે ચાલી રહેલી કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટે મહત્વનું વલણ : જો પ્રેસિડેન્ટ ઈચ્છે તો ગંભીર સંજોગોમાં, બળવો દબાવવા અથવા કાયદાનું પાલન કરાવવા માટે આ વિશેષ કાયદા હેઠળ સેના તૈનાત કરવાનો નિર્ણય લઈ શકે છે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સેનાના ઉપયોગ અંગે ચાલી રહેલી કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટે મહત્વનું વલણ દાખવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નેશનલ ગાર્ડના ઉપયોગ પર રોક લગાવી છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના મતે આ નિર્ણયે રાષ્ટ્રપતિ માટે 'ઈન્સરેક્શન એક્ટ ૧૮૦૭' નો ઉપયોગ કરવાનો માર્ગ વધુ સ્પષ્ટ કર્યો છે.
આ અંગેની વિશેષ વિગતો મુજબ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જ્યારે રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ સર્જાય અને રાજ્ય સરકારો નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જાય, ત્યારે ફેડરલ સરકારની સત્તા અદ્રશ્ય થતી નથી.
જસ્ટિસ બ્રેટ કેવનાએ પોતાના નોંધમાં સંકેત આપ્યો છે કે કોર્ટનો હાલનો નિર્ણય રાષ્ટ્રપતિની 'ઈન્સરેક્શન એક્ટ' હેઠળની સત્તાને અસર કરતો નથી. આનો સીધો અર્થ એ છે કે જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો ગંભીર સંજોગોમાં, બળવો દબાવવા અથવા કાયદાનું પાલન કરાવવા માટે આ વિશેષ કાયદા હેઠળ સેના તૈનાત કરવાનો નિર્ણય લઈ શકે છે.
આ એક્ટ રાષ્ટ્રપતિને 'પોસી કોમિટસ એક્ટ' (જે સામાન્ય રીતે ઘરેલુ કાયદાના અમલમાં સેનાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે) થી ઉપરવટ જઈને કાર્યવાહી કરવાની છૂટ આપે છે. હાલના સંજોગોમાં કાનૂની માર્ગ હવે વધુ સ્પષ્ટ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
