News of Sunday, 28th December 2025
બિહારમાં મધરાતે મોટી રેલ દુર્ઘટના: માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, નદીના પુલ પરથી ડબ્બા ખાબકતા સર્જાયા ભયાનક દ્રશ્યો
જમુઈ નજીક સિમેન્ટ ભરેલી ટ્રેનના અનેક કોચ એકબીજા પર ચઢી ગયા: દિલ્હી-હાવડા મુખ્ય રેલવે લાઇન ઠપ થતા મુસાફરો અટવાયા અને રેલવે તંત્રમાં મચી અફરાતફરી

જમુઈ : બિહારના જમુઈ જિલ્લામાં શનિવારની કાળી રાત રેલવે વિભાગ માટે ભારે આફત લઈને આવી. જસીડીહથી ઝાઝા તરફ પૂરપાટ ઝડપે દોડી રહેલી સિમેન્ટ ભરેલી એક માલગાડી તેલવા બજાર હોલ્ટ પાસે અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. રાતના અંધકારમાં આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના લગભગ 12 જેટલા કોચ પાટા પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતની તીવ્રતા જોઈને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો, કારણ કે અકસ્માત સમયે થયેલો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો.
દુર્ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હચમચાવી દે તેવા છે. માલગાડીના 3 ડબ્બા તો પુલ પરથી સીધા બરૂઆ નદીમાં જઈ પડ્યા હતા, જ્યારે બાકીના ડબ્બા એકબીજા પર ચઢીને રમકડાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. ટ્રેનના પાયલટે જ્યારે જોરદાર ઝટકો અનુભવ્યો ત્યારે તેણે તાત્કાલિક એન્જિન બંધ કર્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. એન્જિન થોડા ડબ્બા લઈને આગળ નીકળી ગયું હતું અને પાછળ સિમેન્ટની ગુણીઓનો ખડકલો થઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રેલવેની મિલકતને કરોડોનું નુકસાન થયું છે.
આ અકસ્માતને કારણે દિલ્હી-હાવડાના સૌથી વ્યસ્ત ગણાતા મુખ્ય રેલ માર્ગ પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે. કિઉલ અને જસીડીહ સેક્શન વચ્ચે અનેક પેસેન્જર ટ્રેનોને થંભાવી દેવામાં આવી છે, જેનાથી મુસાફરોની હાલાકીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઘટનાની જાણ થતા જ RPF, GRP અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નદીમાં પડેલા કોચને બહાર કાઢવા માટે વિશાળ ક્રેન્સની મદદ લેવામાં આવી રહી છે અને યુદ્ધના ધોરણે ટ્રેક રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અકસ્માત પાછળ કોઈ ટેકનિકલ ખામી છે કે પછી ટ્રેકમાં કોઈ ખામી હતી, તે જાણવા માટે રેલવે વિભાગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ટ્રેક સંપૂર્ણ સુરક્ષિત જાહેર થયા બાદ જ ટ્રેનોની અવરજવર પુનઃ શરૂ કરવામાં આવશે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
