<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

'પુષ્પા' મુશ્કેલીમાં: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ, શું સુપરસ્ટારને જેલ થશે?

હૈદરાબાદ પોલીસે 23 આરોપીઓની યાદીમાં અભિનેતાનું નામ સામેલ કર્યું: પ્રીમિયર દરમિયાન મહિલાના મોતે કાયદાકીય સકંજો કસ્યો, 'ફ્લાવર નહીં ફાયર' વાળું ટી-શર્ટ પહેરી ધરપકડ વહોરનાર સ્ટારની મુશ્કેલીઓ વધી

હૈદરાબાદ:  દક્ષિણ ભારતીય સિનેમાના આઈકોન સ્ટાર અલ્લુ અર્જુન માટે 'પુષ્પા-2'ની સફળતાની ખુશી હવે કાયદાકીય આફતમાં ફેરવાઈ રહી છે. હૈદરાબાદના જાણીતા સંધ્યા થિયેટરમાં ફિલ્મની રિલીઝ દરમિયાન સર્જાયેલી નાસભાગની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરતા અલ્લુ અર્જુન સહિત 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ ઘટનામાં રેવતી નામની મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું અને તેનો માસૂમ પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસની તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે ભીડને કાબૂમાં લેવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવા છતાં અભિનેતાના આગમનને કારણે સ્થિતિ બેકાબૂ બની હતી, જેના પગલે હવે તેની સામે કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે.
ઘટનાના દિવસે જ્યારે અલ્લુ અર્જુન થિયેટર પર પહોંચ્યો ત્યારે ચાહકોનો ઉત્સાહ જોખમી હદે વધી ગયો હતો. લોકો ગેટ તોડીને અંદર ઘૂસવા લાગ્યા અને ધક્કામુક્કીમાં અનેક લોકો કચડાયા હતા. આ દુર્ઘટના બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (ગેરરાદારે નરહત્યા) અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો હતો. અલ્લુ અર્જુને આ એફઆઈઆર રદ કરાવવા માટે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા, પરંતુ પોલીસની ચાર્જશીટ ફાઈલ થતા હવે કેસ નવો વળાંક લઈ રહ્યો છે. જો આરોપો સાબિત થાય તો સુપરસ્ટારને જેલની સજા પણ થઈ શકે છે, જે ફિલ્મ જગત અને ચાહકો માટે મોટા આંચકા સમાન છે.
અભિનેતાની ધરપકડની રીતને લઈને પણ વિવાદ ગરમાયો છે. અલ્લુ અર્જુને આક્ષેપ કર્યો છે કે પોલીસે તેને તેના બેડરૂમમાંથી અચાનક ઝડપી લીધો હતો અને કપડાં બદલવાની કે નાસ્તો કરવાની તક પણ આપી ન હતી. ધરપકડ દરમિયાન તે લિફ્ટમાં 'ફ્લાવર નહીં ફાયર હૈ' લખેલી હૂડી પહેરેલો જોવા મળ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી. બીજી તરફ, થિયેટર મેનેજમેન્ટે બચાવમાં જણાવ્યું છે કે તેઓએ અગાઉથી લેખિતમાં પોલીસને જાણ કરી હતી, પરંતુ તંત્રની નિષ્ફળતાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે.
સમગ્ર મામલે અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભીડ વધુ હોવાથી તેઓ ફિલ્મ જોયા વગર જ નીકળી ગયા હતા અને તેમને આ દુર્ઘટનાની જાણ બીજા દિવસે થઈ હતી. જોકે, કાયદાકીય દૃષ્ટિએ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા તેજ બની છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટમાં ચાર્જશીટ પરની સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુન પોતાની નિર્દોષતા સાબિત કરી શકે છે કે પછી 'પુષ્પા' રાજને જેલના સળિયા ગણવાનો વારો આવશે.

 

(11:15 AM IST)