News of Sunday, 28th December 2025
ક્રિકેટ મેદાન પર માતમ: BPL મેચની ગણતરીની મિનિટો પહેલા જ કોચનું હાર્ટ અટેકથી નિધન
ઢાકા કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ મહબૂબ અલી ઝાકીએ દુનિયાને કીધું અલવિદા: ખેલાડીઓની નજર સામે જ ઢળી પડ્યા, સીપીઆર આપવા છતાં જીવ ન બચ્યો અને રમત જગતમાં શોકની લહેર ફરી વળી

સિલહટ (બાંગ્લાદેશ): ક્રિકેટના મેદાન પર રમત શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ની ત્રીજી મેચમાં ઢાકા કેપિટલ્સ અને રાજશાહી વોરિયર્સ સામસામે ટકરાવાના હતા, પરંતુ ટોસ થાય તે પહેલા જ ઢાકા ટીમના આસિસ્ટન્ટ કોચ મહબૂબ અલી ઝાકીનું અચાનક હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. મેદાન પર જ બનેલી આ ઘટનાને કારણે ખેલાડીઓ, સ્ટાફ અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એક તરફ ઉત્સાહનો માહોલ હતો ત્યાં બીજી જ ક્ષણે માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, બપોરે 1 વાગ્યે મેચ શરૂ થવાની હતી તે પહેલા જ 59 વર્ષીય મહબૂબ અલી ઝાકી મેદાન પર અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી હતી અને સ્થળ પર જ સીપીઆર (CPR) પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બાંગ્લાદેશના ફાસ્ટ બોલિંગના વિકાસમાં તેમનું મોટું યોગદાન હતું અને તેઓ બીસીબીના ગેમ ડેવલપમેન્ટ વિભાગમાં સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત હતા.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. બોર્ડે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, મહબૂબ અલી ઝાકીનું સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર ક્રિકેટ જગતમાં ગમગીની છવાઈ ગઈ હતી. 26 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બીજા જ દિવસે આવી કમનસીબ ઘટના બનતા ક્રિકેટ ચાહકો પણ આઘાતમાં સરી પડ્યા છે.
આ દુઃખદ પ્રસંગે બંને ટીમોના ખેલાડીઓએ મેદાન પર મૌન પાળીને પોતાના પહાડ જેવા કોચને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે બનેલી આ ઘટનાએ ફરી એકવાર ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફના સ્વાસ્થ્ય અને મેદાન પરની ઈમરજન્સી સુવિધાઓ અંગે ચર્ચા જગાવી છે. જે કોચ હજુ થોડી ક્ષણો પહેલા ખેલાડીઓને જીતની રણનીતિ સમજાવી રહ્યા હતા, તેમના જ પાર્થિવ દેહને જોઈને ટીમના સભ્યો પોક મૂકીને રડી પડ્યા હતા.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
