News of Sunday, 28th December 2025
AIMIM માં ટિકિટ મુદ્દે ભડકો: ફૂલહાર પહેરેલા ઉમેદવાર પર પોતાના જ કાર્યકરોએ કર્યો ખૂની હુમલો
છત્રપતિ સંભાજીનગરમાં ભીડ વચ્ચે નેતાજીનો માળા તોડી લાતો-મુકકાનો વરસાદ: ટિકિટ ન મળતા વિફરેલા જૂથે ઉમેદવાર મોહમ્મદ અસરાને રસ્તા વચ્ચે નિર્દયતાથી ઝૂડ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, પરંતુ છત્રપતિ સંભાજીનગરમાં AIMIM પાર્ટીમાં જે દ્રશ્યો સર્જાયા તેણે લોકશાહીને શર્મસાર કરી દીધી છે. ટિકિટ વિતરણને લઈને સર્જાયેલા આંતરિક વિવાદમાં પાર્ટીના જ કાર્યકરોએ પોતાના ઉમેદવાર પર હિંસક હુમલો કર્યો હતો. વોર્ડ નંબર 12 ના કિરાદપોરા શરીફ કોલોની વિસ્તારમાં જ્યારે ઉમેદવાર મોહમ્મદ અસરા પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે જ હરીફ જૂથના સમર્થકોએ તેમને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે.
ઘટનાનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોહમ્મદ અસરાના ગળામાં ભવ્ય ફૂલહાર છે અને તેઓ પોતાના સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. આ દરમિયાન અચાનક વિરોધી જૂથના લોકોએ હુમલો કર્યો હતો. નેતાજી કંઈ સમજે તે પહેલા જ તેમના ગળામાંથી માળા તોડી નાખવામાં આવ્યા અને તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. નેતાજીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડે તેમને પકડી લીધા અને લાતો-મુકકાનો વરસાદ કરી દીધો હતો. રસ્તા પર ફૂલો વેરવિખેર થઈ ગયા અને ઉત્સવનો માહોલ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો.
આ હુમલા પાછળ ટિકિટ ન મળવાનો રોષ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. રહેમાનિયા કોલોનીના MIM ઉમેદવાર ઇસા ખલીલના સમર્થકો પર આ કાયરતાપૂર્ણ હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાર્ટીની અંદર ટિકિટની વહેંચણીને લઈને બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અસંતોષ હતો, જે અંતે હિંસક અથડામણમાં પરિણમ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે પોલીસને વચ્ચે આવીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ પાર્ટીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં માત્ર AIMIM જ નહીં, પરંતુ મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતિમાં પણ ટિકિટોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. અનેક બેઠકો પર બળવાની સ્થિતિ છે, જેના કારણે ગઠબંધનના પક્ષો અલગ-અલગ લડી રહ્યા છે. ભાજપ અને શિવસેનામાં પણ કેટલીક બેઠકો પર પેચ ફસાયેલો છે. પરંતુ છત્રપતિ સંભાજીનગરમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સત્તાની લડાઈમાં હવે પક્ષના શિસ્તની કોઈ મર્યાદા રહી નથી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ આંતરિક જૂથવાદનો ફાયદો વિરોધી પક્ષોને મળી શકે છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
