<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

'ભારતે હુમલો કર્યો છે, બંકરમાં છુપાઈ જાઓ': ઓપરેશન સિંદૂરનો ખોફ યાદ કરી પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારી ધ્રૂજી ઉઠ્યા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાના પ્રચંડ પ્રતિશોધની પાકિસ્તાને કરી સત્તાવાર કબૂલાત: 'અમે ગોળીઓ ચલાવીશું'ની પોકળ ધમકીઓ વચ્ચે ભારતની લશ્કરી તાકાત સામે પાડોશી દેશના શાસકોમાં ફફડાટ

ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાન અત્યાર સુધી જે સત્યને છુપાવવાનો પ્રયાસ કરતું હતું, તેનો પર્દાફાશ ખુદ તેના જ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કરી દીધો છે. વર્ષ 2025ના મે મહિનામાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ના ભયાનક અનુભવને યાદ કરતા ઝરદારીએ સ્ટેજ પરથી કબૂલાત કરી છે કે ભારતની એરસ્ટ્રાઈક અને લશ્કરી કાર્યવાહી એટલી પ્રચંડ હતી કે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને જાન બચાવવા માટે બંકરોમાં ભરાઈ જવાની ફરજ પડી હતી. ઝરદારીનું આ નિવેદન ભારતની સીમાપારની લશ્કરી કાર્યવાહીની ગંભીરતા અને સફળતા પર મહોર મારે છે.

આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ આ વર્ષે 22 એપ્રિલે સર્જાઈ હતી, જ્યારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 26 લોકોના કરુણ મોત બાદ ભારતમાં રોષની જવાળા ફાટી નીકળી હતી. મોડું કર્યા વગર ભારતે 6 અને 7 મેની મધ્યરાત્રિએ "ઓપરેશન સિંદૂર" લોન્ચ કર્યું. ભારતીય કમાન્ડો અને વાયુસેનાએ પાકિસ્તાની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓના લાન્ચ પેડ્સ અને ટ્રેનિંગ કેમ્પનો સફાયો બોલાવી દીધો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે નીચું જોવું ન પડે તે માટે પાકિસ્તાન આ હુમલાનો સતત ઈનકાર કરતું આવ્યું હતું.

ઝરદારીએ પોતાના તાજેતરના સંબોધનમાં ભલે ભારતને લુખ્ખી ધમકી આપવાનો પ્રયાસ કર્યો હોય અને "રોટલી કે ગોળી"ની વાત કરી હોય, પરંતુ તેમના જ શબ્દોમાં છુપાયેલો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ ભારતની રણનીતિ માત્ર લશ્કરી જ નહીં પણ આર્થિક અને રાજદ્વારી સ્તરે પણ પાકિસ્તાન માટે ઘાતક સાબિત થઈ છે. ભારતે સિંધુ જળ સંધિ જેવી મહત્વની સમજૂતીઓ પર કડક વલણ અપનાવતા પાકિસ્તાન હવે પાણી માટે પણ ભારત સામે કાલાવાલા કરી રહ્યું છે. ઝરદારીની આ કબૂલાત પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે રાષ્ટ્રપતિ ઝરદારીનું આ નિવેદન પાકિસ્તાનની જનતામાં સેના પ્રત્યે ઘટતા વિશ્વાસને કારણે અથવા ભારતની વધતી આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતાના દબાણ હેઠળ આવ્યું છે. ભારત તરફથી આ મામલે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો આતંકવાદ નહીં અટકે તો ભવિષ્યમાં પણ 'ઓપરેશન સિંદૂર' જેવી અનેક કાર્યવાહીઓ જોવા મળી શકે છે. હાલમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિના આ એકરારથી વિશ્વના દેશો સામે પાકિસ્તાન ફરી એકવાર બેનકાબ થઈ ગયું છે અને ભારતની 'નયા ભારત' વાળી ઈમેજ વધુ મજબૂત બની છે.

(12:08 PM IST)