<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

દિગ્વિજય સિંહના 'મોદી પ્રેમ' થી કોંગ્રેસમાં ભૂકંપ: શું સીનિયર નેતાએ પક્ષ પલટાના સંકેત આપ્યા કે આ કોઈ નવી વ્યૂહરચના?

ભાજપ-RSS ના વખાણ અને PM મોદીનો જૂનો ફોટો શેર કરતા ખળભળાટ: "દુશ્મન કેમ મજબૂત છે તે શીખવું જોઈએ" ના નિવેદનથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો, હાઈકમાન્ડ પરોક્ષ નિશાના પર હોવાની ચર્ચાઓ તેજ

નવી દિલ્હી:  કોંગ્રેસના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે કંઈક એવું કર્યું છે જેણે કોંગ્રેસના પાયા હચમચાવી દીધા છે. દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં જમીન પર બેઠેલા જોવા મળે છે. આ ફોટોની સાથે તેમણે ભાજપ અને RSS ના એ ગુણના વખાણ કર્યા છે કે તેઓ પાયાના કાર્યકરોને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડે છે. આ નિવેદનને કોંગ્રેસની 'ઘર પરિવાર' વાળી રાજનીતિ પર પરોક્ષ પ્રહાર માનવામાં આવી રહ્યો છે.

દિગ્વિજય સિંહના આ પલટાએ કોંગ્રેસની અંદર મોટું વાવાઝોડું ફૂંક્યું છે. પાર્ટીના સિનિયર નેતાઓ સ્તબ્ધ છે કે જે નેતા અત્યાર સુધી સંઘ અને ભાજપ પર સૌથી વધુ આકરા પ્રહાર કરતા હતા, તેઓ અચાનક તેમના વખાણ કેમ કરવા લાગ્યા? ગયા અઠવાડિયે પણ તેમણે સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરી હતી, જેનો ઈશારો સીધો હાઈકમાન્ડ તરફ હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિગ્વિજય સિંહ કદાચ પાર્ટીમાં પોતાની અવગણનાથી નારાજ છે અથવા તો તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસ પણ ભાજપની માફક પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપે.

પક્ષમાં આંતરિક વિખવાદ વધતા કોંગ્રેસના પ્રવક્તાઓ બચાવ મુદ્રામાં આવી ગયા છે. પવન ખેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગોડસેના સમર્થકો ક્યારેય ગાંધીના સમર્થકો ન હોઈ શકે, જ્યારે અલકા લાંબાએ થોડો નરમ સૂર અપનાવતા કહ્યું કે આપણો દુશ્મન કેમ મજબૂત છે તેનું મૂલ્યાંકન કરવું એ લોકશાહીનો ભાગ છે. બીજી તરફ સચિન પાયલટે 'ઓલ ઈઝ વેલ' નો રાગ આલાપતા કહ્યું કે કોંગ્રેસ એક છે અને કોઈ મતભેદ નથી. જોકે, દિગ્વિજય સિંહના આ એકાએક બદલાયેલા તેવરથી કાર્યકરોમાં ભારે મૂંઝવણ ઉભી થઈ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એ સવાલ ગુંજી રહ્યો છે કે શું દિગ્વિજય સિંહ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા કે અન્ય નેતાઓની જેમ ભગવો ધારણ કરશે? જોકે, રજની પાટીલ જેવા નેતાઓ હજુ પણ માને છે કે મીડિયા તેમની વાતને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. સચ્ચાઈ જે પણ હોય, પરંતુ દિગ્વિજય સિંહના આ એક ફોટો અને નિવેદને સાબિત કરી દીધું છે કે કોંગ્રેસની અંદર બધું સમુસૂતરું નથી. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં દિગ્વિજય સિંહ પોતાની સ્પષ્ટતામાં શું કહે છે કે પછી આ વિવાદ હજુ વધુ વકરશે.

(12:08 PM IST)