<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અમદાવાદના વિશ્વઉમિયાધામ ખાતે ‘વિશ્વઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલન’નું ભવ્ય આયોજન : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

ગુજરાતના ખૂણેખૂણેથી આવતા યુવા ઉદ્યોગસાહસિકોને એક મંચ પૂરો પાડવા અને બિઝનેસ નેટવર્કિંગને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમ : અમિતભાઈ શાહ મંદિર પરિસરમાં મા ઉમિયાના દર્શન અને પૂજા-અર્ચના કરશે

અમદાવાદ : અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ ખાતે આગામી સમયમાં ‘વિશ્વઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના ખૂણેખૂણેથી આવતા યુવા ઉદ્યોગસાહસિકોને એક મંચ પૂરો પાડવા અને બિઝનેસ નેટવર્કિંગને વેગ આપવા માટે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.

 

કાર અને બાઈક રેલીનું આકર્ષણ

મહાસંમેલનને વેગ આપવા માટે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળશે. સવારે 8:00 થી 10:00 વાગ્યા દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભવ્ય કાર રેલીનું પ્રસ્થાન થશે. ત્યારબાદ બપોરે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાન અમદાવાદના સ્થાનિક વિસ્તારો જેવા કે બોપલ, નિકોલ, ગોતા અને નરોડાથી વિશાળ કાર અને બાઈક રેલીઓ વિશ્વઉમિયાધામ પહોંચશે. બપોરે 2:00 વાગ્યે રાજ્યભરમાંથી આવતા યુવા ઉદ્યોગસાહસિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

 

ગૃહમંત્રી દ્વારા મંદિર નિર્માણનું નિરીક્ષણ અને એપ લોન્ચિંગ

બપોરે 4:00 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મંદિર પરિસરમાં પધારશે, જ્યાં તેઓ મા ઉમિયાના દર્શન અને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.

કાર્યક્રમના સૌથી મહત્વના તબક્કા તરીકે, સાંજે 4:45 કલાકે અમિતભાઈ શાહના હસ્તે ‘VUF Business Network’ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવશે. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિઓને એકબીજા સાથે જોડાવાની અને વેપાર ક્ષેત્રે નવી તકો શોધવાની સુવિધા મળશે.

 

યુવા શક્તિ અને બિઝનેસનું સંગમ

બપોરે 4:30 કલાકે મહાસંમેલનનો વિધિવત પ્રારંભ થશે, જેમાં દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિશ્વઉમિયાધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ઉદ્યોગસાહસિકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને તેમને સ્વાવલંબી અને સફળ બનાવવાનો છે. આ સંમેલનથી યુવા પેઢીમાં ઉદ્યોગ સાહસિકતાની નવી લહેર જોવા મળશે.

(12:43 PM IST)