<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

જો દીકરીને બેઠાં-બેઠાં પૈસા મળશે તો તે નોકરી શોધવાનો પ્રયત્ન નહીં કરે : જામનગરની માતાએ પોતાની પુખ્ત અને શિક્ષિત દીકરીને અપાતું ભરણપોષણ ઘટાડવા માટે અપીલ કરી : હાઈકોર્ટે આ દલીલને ફગાવી દઈ ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશને યથાવત રાખ્યો

સપ્ટેમ્બર 2023માં જામનગર ફેમિલી કોર્ટે માતાની સારી આવક અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો હતો કે, દીકરીના નર્સિંગ કોર્સના 6 સેમેસ્ટર માટે સેમેસ્ટર દીઠ 25,000 રૂપિયા ફી ચૂકવવી અને માસિક 15,000 રૂપિયા ભરણપોષણ પેટે આપવા

નવી દિલ્હી : સંતાનો દ્વારા માતા-પિતા પાસે ભરણપોષણ માંગવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં એક એવો કિસ્સો પહોંચ્યો હતો જેમાં માતાએ પોતાની પુખ્ત અને શિક્ષિત દીકરીને અપાતું ભરણપોષણ ઘટાડવા માટે અપીલ કરી હતી. જામનગરની આ માતાની દલીલ હતી કે જો દીકરીને બેઠાં-બેઠાં પૈસા મળશે તો તે નોકરી શોધવાનો પ્રયત્ન નહીં કરે. જોકે, હાઈકોર્ટે આ દલીલને ફગાવી દઈ ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશને યથાવત રાખ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

જામનગરમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માતાએ તેમના પ્રથમ પતિના નિધન બાદ 2018માં બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી થયેલી દીકરીએ સાવકા પિતા અને સાવકા ભાઈ સાથે રહેવાને બદલે નાના-નાની સાથે રહેવાનું પસંદ કર્યું હતું. દીકરી જ્યારે 10મા ધોરણમાં હતી ત્યારથી માતા તેને માસિક 5,000 રૂપિયા ભરણપોષણ આપતી હતી. જોકે, પુખ્ત થયા બાદ સપ્ટેમ્બર ૨૦૨૨માં દીકરીએ નર્સિંગના અભ્યાસ અને જીવનનિર્વાહ માટે વધુ રકમની માંગ કરી હતી.

ફેમિલી કોર્ટનો આદેશ અને માતાનો વિરોધ

સપ્ટેમ્બર 2023માં જામનગર ફેમિલી કોર્ટે માતાની સારી આવક અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો હતો કે, દીકરીના નર્સિંગ કોર્સના 6 સેમેસ્ટર માટે સેમેસ્ટર દીઠ 25,000 રૂપિયા ફી ચૂકવવી અને માસિક 15,000 રૂપિયા ભરણપોષણ પેટે આપવા.

અભ્યાસ પૂર્ણ થયા બાદ માતાએ હાઈકોર્ટમાં રિટ અરજી કરી દલીલ કરી હતી કે 15,000 રૂપિયાની રકમ વધારે છે અને તેને ઘટાડીને 10,000 કરવી જોઈએ. માતાએ એમ પણ જણાવ્યું કે દીકરી હવે શિક્ષિત છે અને તેણે જામનગરની સરકારી હોસ્પિટલમાં નોકરી પણ મેળવી લીધી છે, તેથી તે આત્મનિર્ભર છે.

 

હાઈકોર્ટનું અવલોકન અને ફટકાર

સામે પક્ષે દીકરીએ કોર્ટને જણાવ્યું કે, તે માત્ર બે મહિના માટે જ નોકરી પર હતી અને હાલ બેરોજગાર છે. તેણે સાવકા પરિવાર સાથે રહેવામાં અસુવિધા અનુભવાતી હોવાની વાત પણ દોહરાવી હતી.

હાઈકોર્ટની ડિવિઝન બેંચે આ મામલે કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે:

• 1) ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ નક્કી કરવામાં કોઈ ભૂલ કરી નથી.

• 2) પુખ્ત અને અવિવાહિત દીકરી જો પોતાની રીતે કમાણી કરી શકવા સક્ષમ ન હોય, તો તેની જવાબદારી માતા-પિતાની રહે છે.

• 3) માતાની એ દલીલ કે 'સરળ પૈસાથી દીકરી આળસુ બનશે' તે કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી.

અંતે, હાઈકોર્ટે માતાની અપીલ ફગાવી દીધી હતી અને દીકરીને બાકી નીકળતું ૨.૨૫ લાખ રૂપિયાનું ભરણપોષણ તાત્કાલિક ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. આ ચુકાદો આજના સમયમાં સ્ત્રીઓના ભરણપોષણના અધિકારને વધુ મજબૂત બનાવે છે.

(1:03 PM IST)