<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

જનેતા બની જલ્લાદ: દીકરાની ઘેલછામાં માતાએ ૬ વર્ષની માસૂમ દીકરીનું ગળું ટુંપ્યું, 'દીકરી કેમ હિન્દી બોલે છે' તે કહીને આપ્યો મોતનો અંજામ

નવી મુંબઈના કલંબોલીમાં હૃદયદ્રાવક હત્યાકાંડ: 'મરાઠી કેમ નથી બોલતી' તે બાબતે અકળાતી માતાએ કાળજું કંપાવી દેતું પગલું ભર્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુદરતી મૃત્યુનું નાટક ઉઘાડું પડ્યું અને માતાની ધરપકડ

નવી મુંબઈ : માતૃત્વને લાંછન લગાડતી એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક ઘટના મહારાષ્ટ્રના નવી મુંબઈમાં બની છે. કલંબોલી વિસ્તારમાં એક ૩૦ વર્ષીય માતાએ પોતાની જ ૬ વર્ષની વ્હાલસોયી દીકરીની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ૨૩ ડિસેમ્બરે જ્યારે મહિલા પોતાની બેભાન દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી હતી, ત્યારે તેણે ડોક્ટરો સમક્ષ 'બાળકી અચાનક બીમાર પડી ગઈ' હોવાનું જૂઠું નાટક રચ્યું હતું. જોકે, તબીબોને બાળકીના મૃતદેહમાં કંઈક અજુગતું લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી અને અંતે સત્ય બહાર આવ્યું હતું.

પોલીસે શરૂઆતમાં આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બાળકીનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું છે. આ પુરાવા મળ્યા બાદ પોલીસે જ્યારે જનેતાની કડક પૂછપરછ કરી, ત્યારે તેણે જે કારણો આપ્યા તે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. મહિલાએ કબૂલાત કરી હતી કે તે હંમેશા દીકરો ઈચ્છતી હતી, પરંતુ દીકરીનો જન્મ થતા તે સતત નાખુશ રહેતી હતી અને દીકરી પ્રત્યે તેને અણગમો પેદા થયો હતો.

હત્યા પાછળનું બીજું સૌથી વિચિત્ર કારણ ભાષાકીય અસંતોષ સામે આવ્યું છે. આરોપી માતાને એ વાતનો અત્યંત ગુસ્સો હતો કે તેની દીકરી મરાઠી ભાષામાં વાત કરવાને બદલે માત્ર હિન્દી જ બોલતી હતી. ભાષાકીય વિકાસ યોગ્ય રીતે ન થવો અને દીકરાની લાલસાએ આ મહિલાને હેવાન બનાવી દીધી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહી હતી. નાની વાતોમાં અકળાઈ જવાની તેની આદતે આજે તેની જ કૂખે જન્મેલી દીકરીનો જીવ લીધો છે.

હાલમાં પોલીસે કલયુગી માતાની ધરપકડ કરી છે અને કોર્ટે તેને ૩૦ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ અને વિકૃત માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું એક માસૂમ બાળકીનું 'હિન્દી બોલવું' તેના મોતનું કારણ બની શકે? આ સવાલ આજે દરેકને વિચલિત કરી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કૃત્યમાં પરિવારના અન્ય કોઈ સભ્યનું માનસિક દબાણ હતું કે કેમ

(1:27 PM IST)