News of Sunday, 28th December 2025
ડ્રગ્સ માફિયાઓ પર મહારાષ્ટ્ર ANTFનો 'સર્જિકલ સ્ટ્રાઈક': બેંગલુરુમાં ધમધમતી ૩ ફેક્ટરીઓ તોડી પાડી, ₹૫૫ કરોડનું MD જપ્ત
નવી મુંબઈથી શરૂ થયેલી તપાસનો છેડો છેક કર્ણાટક સુધી પહોંચ્યો: ૪ ડ્રગ માફિયાઓ જેલના સળિયા પાછળ, ૨૧ કિલોથી વધુનો માદક જથ્થો અને મશીનરી કબજે કરી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

મુંબઈ/બેંગલુરુ : મહારાષ્ટ્ર એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ ડ્રગ્સના કાળા કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડીને માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુના રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત રીતે ચાલતી ત્રણ હાઈટેક MD ડ્રગ ફેક્ટરીઓ પર ANTF ની ટીમે ત્રાટકીને અંદાજે ₹૫૫.૮૮ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશન માત્ર ડ્રગ્સ પકડવા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ પોલીસે આખા પ્રોડક્શન યુનિટ્સને જમીનદોસ્ત કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલતા આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈનની કમર તોડી નાખી છે.
આ સનસનાટીભર્યા કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ૨૧ ડિસેમ્બરના રોજ નવી મુંબઈના વાશીમાંથી અબ્દુલ કાદર શેખ નામનો શખ્સ ₹૧.૪૮ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. કોંકણ રેન્જની ANTF ટીમે જ્યારે અબ્દુલની ઊંડી પૂછપરછ કરી, ત્યારે આ ડ્રગ્સનું ઉત્પાદન બેંગલુરુમાં થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસની ટીમ તરત જ બેંગલુરુ પહોંચી હતી અને ત્યાંથી આ રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
બેંગલુરુમાં હાથ ધરાયેલા દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાનના રહેવાસી સૂરજ યાદવ અને મલખાન બિશ્નોઈની ધરપકડ કરી હતી. તેમની કબૂલાત બાદ પોલીસે સ્પંદના લેઆઉટ અને યરપનાહલ્લીમાં ચાલતી ફેક્ટરીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી ૨૧ કિલો ૪૦૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેમાં ૧૭ કિલો જેટલું ડ્રગ્સ તો લિક્વિડ ફોર્મમાં હતું જે પ્રોસેસિંગ હેઠળ હતું. આ ફેક્ટરીઓમાંથી ડ્રગ્સ બનાવવાની આધુનિક મશીનરી અને કેમિકલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સના વેચાણમાંથી મળેલા કરોડો રૂપિયાનો ઉપયોગ બેંગલુરુમાં બેનામી મિલકતો ખરીદવા માટે કરવામાં આવતો હતો.
હાલ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કુલ ૪ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે આ માસ્ટર માઈન્ડ પ્રશાંત પાટીલ સહિતના અન્ય બે સૂત્રધારોને પકડવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. પોલીસને આશંકા છે કે આ ડ્રગ્સ રેકેટના તાર માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારની આ કાર્યવાહીએ સાબિત કર્યું છે કે ડ્રગ્સ માફિયાઓ ગમે તેટલા છુપાયેલા હોય, કાયદાના લાંબા હાથ તેમના સુધી ચોક્કસ પહોંચશે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
