તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Sunday, 28th December 2025
લંડનમાં બાંગ્લાદેશી હિન્દુઓના ન્યાય માટેના પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓનો હંગામો: પાકિસ્તાની ISI ના ઈશારે ભારત વિરોધી ષડયંત્રની આશંકા
મૈમનસિંઘમાં દીપુ ચંદ્ર દાસની ભયાનક લિંચિંગ વિરુદ્ધ લંડન હાઈ કમિશન બહાર યોજાયેલા વિરોધમાં ખાલિસ્તાની તત્વો ત્રાટક્યા: ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને ધાકધમકી પાછળ કટ્ટરપંથીઓનું મેળાપીપણું હોવાનો ખુલાસો

લંડન : બ્રિટનની રાજધાની લંડનમાં બાંગ્લાદેશી હિન્દુઓ અને બ્રિટિશ-હિન્દુઓ દ્વારા આયોજિત એક શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ખાલિસ્તાની તત્વોએ વિક્ષેપ પાડીને સનસનાટી મચાવી દીધી છે. બાંગ્લાદેશના મૈમનસિંઘમાં ગાર્મેન્ટ કામદાર દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા અને લિંચિંગના વિરોધમાં જ્યારે લોકો બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે એકઠા થયા હતા, ત્યારે અચાનક ખાલિસ્તાનીઓનું એક જૂથ ત્યાં ધસી આવ્યું હતું. આ તત્વોએ માત્ર વિરોધ પ્રદર્શનમાં ખલેલ જ નહોતી પાડી, પરંતુ પ્રદર્શનકારીઓને બિભત્સ ગાળો આપી અને કહેવાતા ખાલિસ્તાનના ધ્વજ લહેરાવી ભારત વિરોધી ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ ઘટનાક્રમ બાદ ગુપ્તચર સંસ્થાઓ અને વિદેશી બાબતોના નિષ્ણાતોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આ હંગામા પાછળ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI નો હાથ હોઈ શકે છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારોના અવાજને દબાવવા અને ભારતની છબી ખરડવા માટે ખાલિસ્તાનીઓ અને કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ વચ્ચેનું આ મેળાપીપણું ચિંતાનો વિષય બન્યું છે. લંડનમાં બનેલી આ ઘટનાએ સાબિત કર્યું છે કે લઘુમતીઓના માનવ અધિકાર માટેના ન્યાયી અવાજને પણ ભૂ-રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૧૮ ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના મૈમનસિંઘમાં દીપુ ચંદ્ર દાસ નામના કામદાર પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવી કટ્ટરપંથીઓએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. અત્યંત હૃદયદ્રાવક રીતે તેના મૃતદેહને ઝાડ પર લટકાવી આગ લગાવી દેવામાં આવી હતી. જોકે, તપાસ બાદ સ્થાનિક સત્તાવાળાઓએ કબૂલ્યું હતું કે દીપુએ કોઈ અપમાનજનક કૃત્ય કર્યું હોવાના પુરાવા મળ્યા નથી. આ સિવાય નાતાલની પૂર્વસંધ્યાએ રાજબારી વિસ્તારમાં અમૃત મંડલની પણ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે વિશ્વભરમાં વસતા હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લંડન પોલીસ અત્યારે આ હિંસક વિક્ષેપ અને ધમકીઓની તપાસ કરી રહી છે. બ્રિટિશ-હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે અમુક અદ્રશ્ય તાકાતો ખાલિસ્તાની મોહરાઓનો ઉપયોગ કરીને પ્રદર્શનને ભટકાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા માત્ર દક્ષિણ એશિયા પૂરતો સીમિત મુદ્દો રહ્યો નથી, પરંતુ તે હવે વૈશ્વિક સ્તરે કટ્ટરપંથી સંગઠનો અને વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપનું કેન્દ્ર બની ગયો છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
