<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

બંગલાદેશી હિન્દુઓનો લલકાર: 'જો મોદી સરકારનો સાથ મળે, તો પલટાઈ શકે છે અમારું ભાગ્ય'

ઢાકાથી BMJP પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલનો એક્સક્લુઝિવ વિડિયો-કૉલ: 'બંગલાદેશમાં હિન્દુ હોવું એ જ ગુનો બની ગયો છે, સમૃદ્ધિ અને શિક્ષણ હવે દુશ્મન બન્યા', ફેબ્રુઆરીની ચૂંટણીમાં ૯૦ સીટ પર ઉમેદવારો ઉતારી ઈતિહાસ રચશે માઇનોરિટી પાર્ટી

ઢાકા/અમદાવાદ : બંગલાદેશના લોહીલુહાણ ઈતિહાસ અને વર્તમાનની અત્યંત ભયાનક વાસ્તવિકતા વચ્ચે ત્યાંના હિન્દુ સમુદાયે હવે 'કરો યા મરો'ની નીતિ અપનાવી છે. બંગલાદેશ માઇનોરિટી જનતા પાર્ટી (BMJP)ના પ્રેસિડન્ટ સુક્રિતીકુમાર મોંડલે ઢાકાથી 'મિડ-ડે' સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બંગલાદેશમાં અત્યારે સિવિલ વૉર જેવી સ્થિતિ છે. તેમણે વ્યથા ઠાલવતા કહ્યું કે, "હિન્દુઓ પાસે જમીન અને મિલકત વધારે છે, તે જ કદાચ તેમની સૌથી મોટી દુશ્મન બની છે." બાપદાદાના જમાનાથી અહીં વસતા અઢી કરોડ હિન્દુઓ પાસે આજે કોઈ પાયાના અધિકારો નથી. કટ્ટરપંથીઓના મનમાં હિન્દુઓ પ્રત્યે નફરતના જે બીજ રોપાયા છે, તે હવે વટવૃક્ષ બનીને લઘુમતીઓને રહેંસી રહ્યા છે.

સુક્રિતીકુમારના મતે, બંગલાદેશમાં હિન્દુઓનું વધુ સુશિક્ષિત અને સમૃદ્ધ હોવું એ બહુમતી સમુદાયને આંખના કણાની જેમ ખૂંચી રહ્યું છે. ૧૯૪૭માં જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં ૪૦ ટકા હિન્દુઓ હતા, ત્યારે તેમની પાસે ૮૫ ટકા જમીનો હતી, જે આજે છીનવાઈ રહી છે. છેલ્લા ૬ મહિનામાં ૭૧ જેટલા બર્બરતાપૂર્ણ હુમલાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ એટલી વૉલેટાઇલ છે કે ગમે ત્યારે કોઈ હથિયારધારી શખ્સ ઘરમાં ઘૂસીને જીવ લઈ શકે છે. સ્કૂલમાં ભણતા નિર્દોષ હિન્દુ બાળકો સાથે પણ ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આ તમામ પજવણી પાછળ રાજકીય એજન્ડા અને વર્ષોથી ચાલી આવતું તુષ્ટિકરણનું રાજકારણ જવાબદાર છે.

આ સંકટના સમયે, સુક્રિતીકુમાર મોંડલે ભારતની નરેન્દ્ર મોદી સરકાર પાસે મોટી આશા વ્યક્ત કરી છે. તેમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ભારત સરકાર બંગલાદેશની આ એકમાત્ર માઇનોરિટી પાર્ટીને સપોર્ટ આપે, તો ત્યાંના હિન્દુઓની સ્થિતિમાં જાદુઈ સુધારો આવી શકે છે. અત્યાર સુધી ભારત માત્ર અવામી લીગ પર નિર્ભર રહ્યું છે, પરંતુ હવે હિન્દુઓએ પોતે જ રાજકીય તાકાત બનીને ઉભરવું પડશે. ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાનારી ચૂંટણીમાં BMJP એ ૩૦૦માંથી ૯૦ સીટ પર પોતાના ઉમેદવારોની નોંધણી કરાવી દીધી છે. જો ભારત જેવા શક્તિશાળી પાડોશી દેશનું સમર્થન મળે, તો બંગલાદેશના અન્ય પક્ષો પર હિન્દુઓના રક્ષણ માટે નૈતિક દબાણ વધશે.

BMJP એ પોતાના પાંચ મુદ્દાના એજન્ડા સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ભ્રષ્ટાચાર મુક્તિ અને એજ્યુકેશન રિફોર્મ્સ મુખ્ય છે. સુક્રિતીકુમાર કહે છે કે, "અમારી જન્મભૂમિ બંગલાદેશ હોવા છતાં અમને વોટ આપવાનો કે સરકાર ચલાવવાનો અધિકાર નથી, તે સ્થિતિ હવે બદલવી પડશે." તેઓ માને છે કે જો હિન્દુઓ નિર્ણાયક ભૂમિકામાં આવશે અને ભારત સરકારનું પીઠબળ હશે, તો બંગલાદેશ ફરીથી ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બની શકશે. આ જંગ માત્ર સત્તાનો નથી, પણ અઢી કરોડ હિન્દુઓના અસ્તિત્વ અને તેમની ગરિમાને બચાવવાનો છે. હવે જોવાનું એ રહે છે કે ભારત સરકાર આ માઇનોરિટી પાર્ટીના આહવાન પર કેવો પ્રતિસાદ આપે છે.

(2:32 PM IST)