<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સફેદ આફતનો કહેર: દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે સેંકડો ફ્લાઈટ્સ પર બ્રેક, મુસાફરો માટે એડવાઈઝરી જારી

રન-વે દેખાતો બંધ થતા CAT-III ટેકનોલોજી પણ વામણી સાબિત થઈ: ૨૩ ડિસેમ્બરથી અત્યાર સુધી ૨૭૦ થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત, એરપોર્ટ પર માનવ મહેરામણ ઉમટતા 'વેઈટિંગ હોલ' નાની પડ્યા

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીની સાથે હવે 'સફેદ આફત' સમાન ગાઢ ધુમ્મસે હવાઈ માર્ગો પર કબજો જમાવી લીધો છે. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ એવા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર શનિવાર અને રવિવારે વિઝિબિલિટી (દ્રશ્યતા) શૂન્યની નજીક પહોંચતા હવાઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હજારો મુસાફરો અત્યારે એરપોર્ટ પર અટવાયા છે, કારણ કે ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ ટેક-ઓફ કે લેન્ડ થઈ શકતી નથી. સ્થિતિની ગંભીરતાને જોતા દિલ્હી એરપોર્ટ ઓથોરિટી (DIAL) એ તાકીદની એડવાઈઝરી જારી કરી મુસાફરોને એરપોર્ટ પર રવાના થતા પહેલા સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવા વિનંતી કરી છે.

તકનીકી રીતે અતિ આધુનિક ગણાતી CAT-III લેન્ડિંગ સિસ્ટમ પણ આ વખતે કુદરતના આ પ્રકોપ સામે વામણી સાબિત થઈ રહી છે. જોકે આ ટેકનોલોજી ઓછી દ્રશ્યતામાં લેન્ડિંગ માટે સક્ષમ છે, પરંતુ સલામતીના કડક ધોરણોને ધ્યાનમાં રાખીને એરપોર્ટ મેનેજમેન્ટે સેંકડો ફ્લાઈટ્સના શિડ્યુલમાં ધરખમ ફેરફાર કર્યા છે. ૨૩ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ ૨૭૦ થી વધુ ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર થયો છે, જ્યારે ૧૦ થી વધુ ફ્લાઈટ્સને રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદ, મુંબઈ અને બેંગલુરુથી દિલ્હી આવતા અને જતા પ્રવાસીઓએ સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એરપોર્ટ પરનું દ્રશ્ય અત્યંત અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. ફ્લાઈટ્સ મોડી પડવાને કારણે લાઉન્જ અને વેઈટિંગ એરિયામાં તલ ધરવાની પણ જગ્યા નથી. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સના કાઉન્ટર પર મુસાફરોની લાંબી લાઈનો લાગી છે. ઘણી એરલાઇન્સે તેમના મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઈટના વિકલ્પો આપ્યા છે, પરંતુ મોટાભાગના પ્રવાસીઓ કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવા મજબૂર બન્યા છે. નાના બાળકો અને વડીલો સાથે મુસાફરી કરતા લોકો માટે ઠંડી અને ભીડમાં સમય પસાર કરવો એ એક મોટી કસોટી સમાન સાબિત થઈ રહ્યો છે.

હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી ૪ થી ૫ દિવસ સુધી ઉત્તર ભારતમાં 'ગાઢ થી અતિ ગાઢ' ધુમ્મસનું જોર યથાવત રહેશે. આનો સીધો અર્થ એ છે કે નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસનું આયોજન કરી રહેલા લોકો માટે મુસીબતો હજુ વધી શકે છે. એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ તેમની એરલાઇન્સની મોબાઈલ એપ અથવા હેલ્પલાઈન નંબર દ્વારા 'રીઅલ-ટાઈમ' સ્ટેટસ સતત ચેક કરતા રહે. જો ધુમ્મસની ચાદર વધુ ઘેરી બનશે, તો આગામી દિવસોમાં રદ થતી ફ્લાઈટ્સનો આંકડો મોટો થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

(2:34 PM IST)