<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અફઘાનિસ્તાનમાં 'ભૂખમરાનો વિસ્ફોટ': ૧.૭ કરોડ લોકો દાણે-દાણે મોહતાજ, ૨૦૨૬માં સ્થિતિ વધુ ભયાનક બનવાની ભીતિ

થીજવતી ઠંડી વચ્ચે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી કટોકટી ચરમસીમાએ: આંતરરાષ્ટ્રીય સહાયમાં મોટો કાપ મુકાતા અડધી વસ્તી પાયમાલ, બાહ્ય મદદ વગર લાખો લોકો માટે બે ટંકનું ભોજન પણ હવે અશક્ય

કાબુલ/નવી દિલ્હી : અફઘાનિસ્તાનની ધરતી અત્યારે આધુનિક યુગની સૌથી ગંભીર અને કાળજું કંપાવી દે તેવી માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહી છે. વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. દેશની અડધી વસ્તી એટલે કે આશરે ૨.૨૯ કરોડ લોકો અત્યારે જીવવા માટે માત્ર ને માત્ર વિદેશી સહાય પર નિર્ભર છે. જોકે, દુર્ભાગ્યની વાત એ છે કે જ્યારે હાડ થીજવતી ઠંડી અને બરફવર્ષાએ સમગ્ર દેશને ઘેરી લીધો છે, ત્યારે જ આંતરરાષ્ટ્રીય ભંડોળમાં મોટાપાયે કાપ મુકવામાં આવ્યો છે. પરિણામે, લાખો અફઘાન પરિવારો હવે ભૂખમરાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અને યુનાઈટેડ નેશન્સ દ્વારા જારી કરાયેલ ચેતવણી મુજબ, આ શિયાળામાં અફઘાનિસ્તાનના ૧.૭ કરોડ લોકો ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ આંકડામાં ૩૦ લાખનો તોતિંગ વધારો થયો છે. અમેરિકા સહિતના વિકસિત દેશોએ સહાય રોકી દેતા રાહત સંસ્થાઓ પાસે હવે ભોજન વિતરણ માટે પૂરતા સંસાધનો રહ્યા નથી. જે દેશમાં અગાઉ ૫૬ લાખ લોકોને ભોજન મળતું હતું, ત્યાં ૨૦૨૫માં માત્ર ૧૦ લાખ લોકો સુધી જ મદદ પહોંચી શકી છે, જે માનવતા માટે શરમજનક બાબત છે.

આ કટોકટી પાછળ માત્ર રાજકીય અસ્થિરતા જ નહીં, પરંતુ કુદરતનો પ્રકોપ પણ જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા વિનાશક ભૂકંપ, સતત પડતો દુષ્કાળ અને પડોશી દેશોમાંથી લાખો શરણાર્થીઓનું પરાણે પરત આવવું - આ તમામ પરિબળોએ અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. બેરોજગારી અને ફુગાવો આસમાને છે, જેના કારણે બજારમાં અનાજ હોવા છતાં સામાન્ય નાગરિક પાસે તે ખરીદવાના પૈસા નથી. શિયાળાની મોસમમાં આશ્રય અને તબીબી સુવિધાઓના અભાવે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે.

આગામી વર્ષ ૨૦૨૬ માટેના અંદાજો વધુ ડરામણા છે. ભંડોળના અભાવને કારણે રાહત એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ૩૯ લાખ અતિ સંવેદનશીલ લોકોને જ મદદ કરી શકશે, જ્યારે બાકીના કરોડો લોકો કુદરતના ભરોસે રહેશે. ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે શિયાળા જેવા કપરા સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય વિતરણ લગભગ અટકી પડ્યું છે. જો વિશ્વના શક્તિશાળી દેશો માનવતાના ધોરણે તાકીદે હસ્તક્ષેપ નહીં કરે, તો અફઘાનિસ્તાન એક વિશાળ કબ્રસ્તાનમાં ફેરવાઈ શકે છે, જેની અસર સમગ્ર એશિયાના ભૌગોલિક રાજકારણ પર પડશે.

(2:35 PM IST)