<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

ક્રિકેટના મેદાન પર 'ગ્રેમ્સ': ૨૦૨૫ના એ ૫ મોટા વિવાદો જેણે જેન્ટલમેન ગેમને કરી શરમાસાર

RCBના ટાઈટલ સેલિબ્રેશનમાં માતમથી લઈને ભારત-પાક વચ્ચેના 'નો હેન્ડશેક' વિવાદ સુધી: ચેમ્પિયન્સ ટ્રોફીનું હાઈબ્રિડ મોડલ અને કોચના અપમાનજનક શબ્દોએ વર્ષ ૨૦૨૫માં ક્રિકેટ જગતને હચમચાવી દીધું

દિલ્હી/બેંગલુરુ:વર્ષ ૨૦૨૫ ક્રિકેટના ઈતિહાસમાં જેટલું રોમાંચક રહ્યું છે, તેટલું જ વિવાદોથી ઘેરાયેલું પણ રહ્યું છે. આ વર્ષે મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ તો જોવા મળી, પરંતુ તેની સાથે એવી ઘટનાઓ પણ બની જેણે રમતની ગરિમા પર સવાલો ઉભા કર્યા. સૌથી કાળી ઘટના IPL ૨૦૨૫ની ફાઈનલ બાદ બની હતી. વર્ષોની રાહ જોયા બાદ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પંજાબને ૬ રનથી હરાવી પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો, ત્યારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. વિજયના જશ્ને લોહીયાળ વળાંક લીધો અને નાસભાગમાં ૧૧ નિર્દોષ ચાહકોએ જીવ ગુમાવ્યા. આ ટ્રેજેડી ક્રિકેટ ઈતિહાસના સૌથી દુઃખદ પ્રકરણ તરીકે કોતરાઈ ગઈ છે.

રાજકીય તણાવની અસર આ વર્ષે ક્રિકેટના મેદાન પર સ્પષ્ટપણે જોવા મળી હતી. ૨૦૨૫ના એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન ત્રણ વખત આમને-સામને આવ્યા, પરંતુ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો હતો. આ 'નો હેન્ડશેક' ટ્રેન્ડ માત્ર સિનિયર ટીમ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ મહિલા ODI વર્લ્ડ કપ અને અંડર-૧૯ એશિયા કપમાં પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જાળવ્યું હતું. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખેલદિલીના મુદ્દે નવી ચર્ચા છેડી દીધી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોની કડવાશ મેદાન પર સ્પષ્ટ દેખાઈ આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુકરી કોનરાડનું એક નિવેદન ૨૦૨૫નો મોટો વિવાદ બન્યું હતું. ગુવાહાટી ટેસ્ટ દરમિયાન તેમણે પોતાની ટીમના વલણ માટે 'ગ્રોવલ' (Grvovel - અત્યંત નમ્ર થઈને ઘૂંટણિયે પડવું) શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દના ઐતિહાસિક અને નકારાત્મક સંદર્ભને કારણે પૂર્વ ભારતીય દિગ્ગજો અનિલ કુંબલે અને ચેતેશ્વર પૂજારાએ તેની કડક આલોચના કરી હતી. એક કોચ દ્વારા પોતાની જ ટીમના આત્મસન્માનને ઠેસ પહોંચાડતા આવા શબ્દનો પ્રયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનું કેન્દ્ર બન્યો હતો, જેના કારણે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી.

વર્ષ ૨૦૨૫નો સૌથી મોટો વહીવટી વિવાદ 'ચેમ્પિયન્સ ટ્રોફી'ના આયોજનને લઈને રહ્યો. પાકિસ્તાનમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતે સુરક્ષાના કારણોસર ટીમ મોકલવાની ના પાડતા BCCI અને PCB વચ્ચે ઠંડો જંગ ખેલાયો હતો. અંતે, ICCએ નમતું જોખીને 'હાઈબ્રિડ મોડલ' અપનાવ્યું અને ટુર્નામેન્ટ પાકિસ્તાન તેમજ દુબઈ વચ્ચે વહેંચાઈ ગઈ. આ વિવાદે સાબિત કર્યું કે વિશ્વ ક્રિકેટમાં ભારતનો દબદબો સર્વોપરી છે. આ પાંચ વિવાદોએ રમતગમતની દુનિયામાં એવો વળાંક આપ્યો છે જે આવનારા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

(2:57 PM IST)