News of Sunday, 28th December 2025
નવા વર્ષ પર કુદરતનો પ્રકોપ: ભારે હિમવર્ષા અને અચાનક વરસાદની ચેતવણી, જાન્યુઆરીના પ્રારંભે ઠંડીનો કહેર વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં માવઠું: કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ૩૧ ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હવામાન પલટાશે, આંદામાનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસો અને ૨૦૨૬ના પ્રારંભ માટે અત્યંત મહત્વની એડવાઈઝરી જારી કરી છે. ૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. પહાડોમાં પડનારો બરફ મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો વધુ ગગડાવશે, જેના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ભારતમાં 'કોલ્ડ વેવ'ની સ્થિતિ સર્જાઈ શકે છે.
મેદાની વિસ્તારોની વાત કરીએ તો, નવા વર્ષની ઉજવણીના આયોજનો પર વરસાદી પાણી ફરી વળે તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ અચાનક આવનારા વરસાદને કારણે ઠંડીમાં ધરખમ વધારો થશે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આકાશી આફત ત્રાટકી શકે છે. અહીં ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
આગામી દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારો 'ગાઢ ધુમ્મસ'ની ચાદરમાં લપેટાયેલા રહેશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબમાં વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી શકે છે, જેની સીધી અસર માર્ગ અને હવાઈ વ્યવહાર પર પડશે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ૨૯ ડિસેમ્બર સુધી 'કોલ્ડ ડે'ની સ્થિતિ રહેશે, એટલે કે દિવસનું તાપમાન પણ સામાન્ય કરતા ઘણું નીચું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૧૨.૬ કિમીની ઊંચાઈએ સક્રિય 'જેટ સ્ટ્રીમ' પવનોને કારણે વાતાવરણમાં આ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.
તાપમાનના ગ્રાફમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે. આગામી ૨૪ કલાકમાં સ્થિરતા રહ્યા બાદ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધારો થશે, પરંતુ વરસાદ પડતાની સાથે જ ફરીથી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં સવારના સમયે ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થશે. ખેડૂતોને પણ આ અચાનક બદલાતા હવામાન અને માવઠાને ધ્યાનમાં રાખીને પોતાના પાકનું રક્ષણ કરવા માટે સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. એકંદરે, નવા વર્ષનું સ્વાગત કાતિલ ઠંડી અને ભીના હવામાન સાથે થવા જઈ રહ્યું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
