<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

પાકિસ્તાનની નાપાક ચાલ: POKમાં આતંકી ફેક્ટરીઓ ફરી ધમધમી, હવે મહિલાઓ અને માસૂમ બાળકોને બનાવાયા 'ઢાલ'

જૈશ અને લશ્કરના આકાઓ મીરપુરમાં એકઠા થયા: ૧ જાન્યુઆરીથી સાત દિવસીય આતંકી તાલીમ શિબિરનું આયોજન, ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ ફફડી ઉઠેલા સંગઠનોએ ફરી રચી લોહિયાળ સાજિશ

શ્રીનગર/નવી દિલ્હી : સીમા પારથી ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવતું નથી. ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી તાલીમ શિબિરો ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, લશ્કર-એ-તૈયબાએ આ વખતે પોતાની મહિલા પાંખને મેદાનમાં ઉતારી છે અને નાના બાળકોને પણ કટ્ટરપંથી બનાવીને હથિયારોની તાલીમ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન આ માસૂમોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ મેળવવા અને માનવ ઢાલ તરીકે કરવા માંગતું હોય તેમ જણાય છે.

જૈશ-એ-મોહમ્મદના ટોચના નેતાઓ અબ્દુર રઉફ અને અબુ મુસાએ મીરપુરમાં સભાઓ ગજવી છે. આ આતંકી સંગઠને ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી સાત દિવસીય 'તરબિયા તાલીમ શિબિર' શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. બાલાકોટ અને ગઢી હબીબુલ્લાહ જેવા વિસ્તારોમાં આતંકીઓએ જાહેર રેલીઓ શરૂ કરી છે, જે દર્શાવે છે કે તેમને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ (ISI) નું ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. જૈશે એ પણ સ્વીકાર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય 'કાશ્મીર ટાઈગર્સ' બીજું કોઈ નહીં પણ તેમનો જ એક મોરચો છે.

ભારતીય સુરક્ષા દળોએ ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને નવ મુખ્ય આતંકી ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સર્જિકલ એર સ્ટ્રાઈકમાં જૈશ અને લશ્કરના અંદાજે ૮૦ થી ૧૦૦ આતંકવાદીઓ ઠાર થયા હતા. આ જંગી નુકસાનથી બોખલાયેલું પાકિસ્તાન હવે ફરીથી લોઅર ડીર અને જેહાદ-એ-અક્સા જેવા સ્થળોએ નવા તાલીમ કેમ્પ ઊભા કરીને ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો તેજ કરી રહ્યું છે.

હાલમાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય સૈન્ય હાઈ-એલર્ટ પર છે. ડ્રોન દ્વારા થતી હથિયારોની હેરાફેરી અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ભટકાવવાના પાકિસ્તાની પ્રોપેગન્ડાને રોકવા માટે સુરક્ષા એજન્સીઓએ રણનીતિ બદલી છે. પીઓકેમાં આતંકી ગતિવિધિઓમાં વધારો થતા આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ઘેરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરહદ પારથી કોઈ પણ દુસાહસ કરવામાં આવશે, તો સેના ફરી એકવાર 'ઘરમાં ઘૂસીને મારવા' તૈયાર છે.

(4:17 PM IST)