<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

ટ્રમ્પના ‘ટેરિફ કકળાટ’માં અમેરિકાની મોટી કંપનીઓ હોમાઈ: 15 વર્ષમાં સૌથી વધુ નાદારી નોંધાઈ!

2025માં અમેરિકામાં કોર્પોરેટ નાદારીના કેસોએ છેલ્લા દોઢ દાયકાનો રેકોર્ડ તોડ્યો: ટ્રમ્પ વહીવટીતંત્રની વેપાર નીતિઓ અને આક્રમક ટેરિફ વધારાને કારણે ઔદ્યોગિક અને રિટેલ ક્ષેત્રની માંધાતા કંપનીઓ પાયમાલ

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને આયાતી માલ પર લાદવામાં આવેલા તોતિંગ ટેરિફ હવે અમેરિકી અર્થતંત્ર માટે જ મુસીબત બની રહ્યા હોય તેવું દેખાય છે. તાજેતરના અહેવાલો મુજબ, વર્ષ 2025માં યુએસ કોર્પોરેટ નાદારીના કેસ 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીથી નવેમ્બર 2025 દરમિયાન 717 કંપનીઓએ નાદારી (Chapter 7 અથવા 11) માટે અરજી કરી છે, જે 2010 પછીનો સૌથી મોટો આંકડો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 14% વધુ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ટ્રમ્પનો ટેરિફ જુગાર ઉલટો પડી રહ્યો છે.

ખાસ કરીને ઉત્પાદન (Manufacturing), બાંધકામ અને પરિવહન જેવા ક્ષેત્રો આ નીતિઓનો સૌથી વધુ ભોગ બન્યા છે. ટ્રમ્પનો દાવો હતો કે ટેરિફ વધારવાથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ફરી બેઠું થશે, પરંતુ વાસ્તવિકતામાં નવેમ્બરમાં પૂરા થયેલા એક વર્ષમાં જ આ ક્ષેત્રમાં 70,000 થી વધુ નોકરીઓ છૂટી ગઈ છે. કાચા માલની આયાત મોંઘી થવાને કારણે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે, જે કંપનીઓ આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકતી નથી, તેઓ આખરે દેવા નીચે દબાઈને નાદારી તરફ ધકેલાઈ રહી છે.

વધુમાં, 2025 ના પ્રથમ છ મહિનામાં $1 બિલિયનથી વધુની સંપત્તિ ધરાવતી ‘મેગા’ કંપનીઓની નાદારીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. એટ હોમ (At Home) અને ફોરેવર 21 (Forever 21) જેવા જાણીતા રિટેલર્સ પણ આ યાદીમાં સામેલ છે. મોંઘવારી અને વધતા વ્યાજ દરોએ ગ્રાહકોની ખરીદશક્તિ ઘટાડી છે, જેના કારણે બજારમાં માંગ ઘટી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો ટેરિફ નીતિમાં વહેલી તકે સુધારો કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં નાદારીનો આ આંકડો હજુ પણ વધી શકે છે, જે ટ્રમ્પ સરકાર માટે ગંભીર રાજકીય અને આર્થિક પડકાર સાબિત થશે.

(5:54 PM IST)