<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

"પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા છોડો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો": નીતિન ગડકરીનું અલ્ટીમેટમ: પરિવહન ક્ષેત્રે આવશે ક્રાંતિ!

કેન્દ્રીય મંત્રીએ નાગપુરમાં હુમલાવર તેવરમાં પ્રદૂષણ ફેલાવતા ઇંધણ સામે યુદ્ધ છેડ્યું : ઇથેનોલ અને હાઇડ્રોજન ટેકનોલોજી અપનાવનારાઓને સબસિડીની લહાણી અને ન માનનારાઓને કડક કાયદાની ચેતવણી આપી

નાગપુર:  કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં પરિવહન ક્ષેત્રના ભવિષ્યને લઈ અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે સીધું જ કહી દીધું કે, "હું પરિવહન મંત્રી છું અને મેં હવે કમાન સંભાળી લીધી છે." ગડકરીએ ઓટોમોબાઈલ અને બાંધકામ ક્ષેત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં નહીં આવે, તો સરકાર 'યુરો 6' (Euro 6) જેવા અત્યંત કડક ઉત્સર્જન ધોરણો લાગુ કરતા જરાય ખચકાશે નહીં. તેમનો આ આકરો મિજાજ સ્પષ્ટ કરે છે કે ભારત હવે ગ્રીન ફ્યુઅલ તરફ વળવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.

ગડકરીએ કૃષિ અને બાંધકામ ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, ટ્રેક્ટર બનાવતી કંપનીઓએ હવે 100% ઇથેનોલ અને CNG પર ચાલી શકે તેવા 'ફ્લેક્સ-એન્જિન' વિકસાવી લીધા છે. તેમણે વધુમાં એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, જે લોકો બાંધકામના સાધનો માટે વૈકલ્પિક ઇંધણ કે જૈવ ઇંધણ (Bio-fuel) પસંદ કરશે, તેમને ધિરાણ પર પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. આ પગલાથી માત્ર પર્યાવરણને જ ફાયદો નહીં થાય, પરંતુ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના ઇંધણ ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે.

ભવિષ્યની ટેકનોલોજી પર ભાર મૂકતા મંત્રીએ માહિતી આપી કે તાજેતરમાં જ ત્રણ અત્યાધુનિક ટ્રક લોન્ચ કરવામાં આવી છે, જેમાંથી બે ટ્રક હાઇડ્રોજન અને ડીઝલના મિશ્રણથી ચાલે છે, જ્યારે ત્રીજી ટ્રક સંપૂર્ણપણે હાઇડ્રોજન ઇંધણ કોષો (Hydrogen Fuel Cells) પર આધારિત છે. ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતનું ભવિષ્ય માત્ર અને માત્ર વૈકલ્પિક ઇંધણમાં જ રહેલું છે. તેમના મતે, જો ભારત આ દિશામાં સફળ થશે તો તે ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે સાથે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય રક્ષણમાં પણ અગ્રેસર રહેશે.

(5:56 PM IST)