હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ઓપરેશન સિંદૂર’નો ખોફ: “મને બંકરમાં જવા કહ્યું હતું”: પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારતની સર્જિકલ સ્ટ્રાઈકનું સત્ય સ્વીકાર્યું!
ભારતીય સેનાએ ૩૬ કલાકમાં પાકિસ્તાનના ગર્વ સમાન રાવલપિંડી એરબેઝના ભુક્કા બોલાવ્યા : વિદેશ મંત્રી ઇશાક દારે કબૂલ્યું કે ભારતે ૮૦ ડ્રોન અને મિસાઇલો વડે નૂરખાન બેઝને તહસ-નહસ કરી નાખ્યું હતું

ઇસ્લામાબાદ: વર્ષો સુધી ભારતની લશ્કરી તાકાતને નકારતું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સત્ય સ્વીકારવા મજબૂર બન્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે કરેલા પ્રચંડ હુમલાઓનો ખુલાસો કરતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સ્વીકાર્યું છે કે તે સમયે દેશના ટોચના નેતૃત્વમાં ભારે ફફડાટ હતો. ઝરદારીએ જણાવ્યું કે જ્યારે ભારતીય વાયુસેનાએ આક્રમણ શરૂ કર્યું, ત્યારે લશ્કરી સચિવે તેમને જીવ બચાવવા માટે બંકરમાં છુપાઈ જવાની સલાહ આપી હતી. આ કબૂલાત સાબિત કરે છે કે ભારતના ‘પિનાકા’ અને ડ્રોન હુમલાઓએ પાકિસ્તાનની સત્તાના પાયા હચમચાવી દીધા હતા.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ડીજીપી શેષ પાલ વૈદ્યએ આ ઘટસ્ફોટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત તો પહેલા દિવસથી જ જાણતું હતું કે પાકિસ્તાનને કેટલું મોટું નુકસાન થયું છે. ભારતે આ ઓપરેશનમાં પાકિસ્તાનના ૧૧ એરબેઝ અને ૯ આતંકવાદી કેમ્પને નિશાન બનાવીને ૧૯ પાકિસ્તાની ફાઈટર જેટ્સને નકામા કરી દીધા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે પણ પુષ્ટિ કરી છે કે રાવલપિંડી જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ભારતે ૮૦ જેટલા ડ્રોન છોડ્યા હતા, જેમાંથી એક ડ્રોને નૂરખાન એરબેઝના લશ્કરી સ્થાપનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઐતિહાસિક ઓપરેશન ૭ મેના રોજ પહેલગામની ઘટનાના જડબાતોડ જવાબ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના અને વાયુસેનાએ માત્ર ૩૬ કલાકમાં પાકિસ્તાની સંરક્ષણ પંક્તિને વિખેરી નાખી હતી. જ્યારે પાકિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતે એટલી તાકાતથી જવાબ આપ્યો કે પાકિસ્તાની સેનાએ પીછેહઠ કરવી પડી હતી. આજે જ્યારે પાકિસ્તાનના સર્વોચ્ચ નેતાઓ પોતે આ હાર અને ડરનો સ્વીકાર કરી રહ્યા છે, ત્યારે તે ભારતીય સંરક્ષણ દળોની વ્યૂહાત્મક શ્રેષ્ઠતા અને અજેય શક્તિ પર મહોર મારે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
