<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

પાકિસ્તાનમાં ખાવાના ફાંફાં: લોટના ભાવ આસમાને પહોંચ્યા: ભ્રષ્ટ અધિકારીઓ ઘઉં આપવા માટે પણ માંગી રહ્યા છે લાંચ!

સિંધમાં ખાદ્ય વિભાગની મનમાનીથી લોટ મિલ માલિકો પરેશાન; 5 કિલો લોટનો ભાવ જાણીને ચોંકી જશો: સબસિડીના નામે ચાલતા મોટા કૌભાંડે સામાન્ય પ્રજાની કમર તોડી નાખી

કરાચી: પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું ઘેરું બન્યું છે કે હવે સામાન્ય જનતા માટે બે ટંકનું ભોજન મેળવવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. કરાચી સહિત સિંધ પ્રાંતમાં લોટના ભાવમાં ફરી એકવાર જોરદાર ભડકો થયો છે. નવાઈની વાત એ છે કે, સરકાર એક તરફ સબસિડી આપીને બજાર સ્થિર કરવાનો દાવો કરે છે, તો બીજી તરફ ખાદ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વેરહાઉસમાંથી ઘઉંની બોરીઓ છોડાવવા માટે મિલ માલિકો પાસે પ્રતિ બોરી 1,000 થી 1,200 પાકિસ્તાની રૂપિયાની લાંચ માંગી રહ્યા છે. આ વ્યવસ્થિત લૂંટને કારણે મિલ માલિકોએ સરકારી ઘઉં લેવાનો ઇનકાર કરી દીધો છે, જેની સીધી અસર ગરીબ જનતાની થાળી પર પડી રહી છે.

ભ્રષ્ટાચાર અને પુરવઠામાં અવરોધને કારણે પાકિસ્તાનના છૂટક બજારમાં લોટના ભાવ આસમાને છે. હાલમાં 5 કિલોગ્રામ લોટનું નાનકડું પેકેટ 630 થી 650 પાકિસ્તાની રૂપિયામાં વેચાઈ રહ્યું છે. મિલ માલિકોનો આરોપ છે કે અધિકારીઓની મિલીભગતથી સબસિડીવાળા ઘઉં ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવે છે, જેનાથી કૃત્રિમ અછત ઊભી થાય છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોટ મિલ એસોસિએશને હૈદરાબાદ પ્રેસ ક્લબ ખાતે કટોકટીની બેઠક બોલાવીને સરકારની નીતિઓ સામે બાયો ચઢાવી છે. તેઓનું કહેવું છે કે જો આવી જ રીતે ચાલાકી ચાલુ રહી તો આગામી દિવસોમાં સામાન્ય લોકો માટે લોટ ખરીદવો અશક્ય બની જશે.

પાકિસ્તાનની આર્થિક પાયમાલીની આ તસવીર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ દેશ વિદેશી દેવા નીચે દબાયેલો છે અને બીજી તરફ અંદરખાને અધિકારીઓ જનતાના મોં સુધી પહોંચતા અનાજમાં પણ કમિશન ખાઈ રહ્યા છે. વેપારીઓ અને મિલ માલિકો વચ્ચે ચાલી રહેલા આ ગજગ્રાહમાં સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા છે. જો પાકિસ્તાન સરકાર વહેલી તકે આ ભ્રષ્ટાચાર પર લગામ નહીં લગાવે અને પુરવઠો સુવ્યવસ્થિત નહીં કરે, તો દેશમાં લોટ માટે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

(9:15 PM IST)