હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીની સેનામાં શી જિનપિંગની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: ૩ શક્તિશાળી જનરલોની હકાલપટ્ટી : લશ્કરી આલમમાં ફફડાટ!
ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના નામે રાષ્ટ્રપતિએ લશ્કરના ટોચના હોદ્દેદારોને પદભ્રષ્ટ કર્યા : વાંગ રેનહુઆ, ઝાંગ હોંગબિંગ અને વાંગ પેંગની રહસ્યમય ગેરહાજરી બાદ આખરે ગાજ પડી

બેઇજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સત્તા પરની પકડ વધુ મજબૂત કરવા માટે લશ્કરી તંત્રમાં ‘શુદ્ધિકરણ’ની પ્રક્રિયા તેજ કરી છે. ચીની સંસદ એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) એ ત્રણ અતિ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ – વાંગ રેનહુઆ, ઝાંગ હોંગબિંગ અને વાંગ પેંગને તેમના હોદ્દા પરથી બરતરફ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ એવા અધિકારીઓ છે જેઓ લશ્કરની અદાલતો, તાલીમ વિભાગ અને આર્મ્ડ પોલીસ જેવી મહત્વની સંસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ત્રણેય નેતાઓ જાહેર કાર્યક્રમોમાંથી રહસ્યમય રીતે ગાયબ હતા, જેનાથી બેઇજિંગના રાજકીય વર્તુળોમાં તેમની ધરપકડ કે નજરકેદની અટકળો તેજ બની હતી.
બરતરફ કરાયેલા અધિકારીઓમાં 63 વર્ષીય એડમિરલ વાંગ રેનહુઆ સૌથી મોટું નામ છે, જેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના કાનૂની વિભાગના વડા હતા અને લશ્કરી જેલો પર તેમનું નિયંત્રણ હતું. બીજી તરફ, ઝાંગ હોંગબિંગ પીપલ્સ આર્મ્ડ પોલીસના કમિશનર તરીકે સેવા આપતા હતા, જ્યારે વાંગ પેંગ લશ્કરી તાલીમ અને વહીવટના ડિરેક્ટર હતા. ભલે તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીમાં હજુ પણ સભ્ય છે, પરંતુ લશ્કરી પદ પરથી તેમની હકાલપટ્ટી એ સ્પષ્ટ સંકેત છે કે જિનપિંગ તેમની વફાદારી અથવા કામગીરીથી સંતુષ્ટ નથી. ચીની સંરક્ષણ મંત્રાલયમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ અભિયાનને જિનપિંગના ‘ક્લીન-અપ’ મિશન તરીકે જોવામાં આવે છે.
આ કાર્યવાહી માત્ર આ ત્રણ અધિકારીઓ પૂરતી સીમિત રહે તેવું લાગતું નથી. અહેવાલો મુજબ, ચીની વાયુસેનાના કમાન્ડર ચાંગ ડીંગક્વિ અને રાજકીય કમિશનર ગુઓ પુશીઆઓ પણ તાજેતરના અતિ મહત્વના સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યા હતા. ચીની રાજકારણમાં વરિષ્ઠ અધિકારીઓની આવી અચાનક ગેરહાજરી સામાન્ય રીતે તેમની સામે તપાસ અથવા સજાની પૂર્વભૂમિકા માનવામાં આવે છે. જિનપિંગના આ કડક વલણથી પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના બાકીના અધિકારીઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જિનપિંગ સેનાને સંપૂર્ણપણે પોતાના વ્યક્તિગત નિયંત્રણ હેઠળ રાખવા માટે આ ‘ક્રૂર’ ફિલ્ટરિંગ પ્રક્રિયા અપનાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
