પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણે વિશ્વની અગિયારમીથી ચોથી અર્થવ્યવસ્થા બન્યા, ૨૦૨૭ માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું : અમિતભાઇ શાહ
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ‘યુવા બિઝનેસ મહાસંમેલન ૨૦૨૫‘ ના ઉદ્દઘાટન સમારોહમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા :વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથે કાર્યરત હોવાનું જણાવતા અમિતભાઈ શાહ: પાટીદાર સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલ અદ્યતન એપનું લોન્ચિંગ કરતા અમિતભાઈ શાહ: મોદીજીના નેતૃત્વમાં Make in India, Made for the World સૂત્ર સાકાર થતું હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઇન્ક્લુઝિવ ડેવલોપમેન્ટની દેશને દિશા આપી છે જેના સકરાત્મક પરિણામો દેશને મળી રહ્યા છે તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન ૨૦૨૫ ના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલ અદ્યતન એપનું લોન્ચિંગ કર્યું હતું અને જણાવ્યું હતું કે સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજનો કાર્યક્રમ ખૂબ મહત્વનો રહેવાનો છે. સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી યુવાનોને નેટવર્કિંગ, ટેકનોલોજી એકસપોઝર, નિ:શુલ્ક મેન્ટરશિપ અને ડિજિટલ માર્કેટપ્લેસનો ઍક્સેસ મળવાનો છે. આજે આ બિઝનેસ મહાસંમેલનમાં લોન્ચ કરાયેલ અંત્યંત પ્રોફેશનલ અને અનેક ફીચર્સ ધરાવતા એપ થકી સ્ટાર્ટ અપ કરવા માગતા સમાજના યુવાનોને સુંદર માર્ગદર્શન મળી રહેશે.
ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, ૧૬ ડિસેમ્બર ૨૦૧૬ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાપના થઇ ત્યારથી આજ સુધી મક્કમતાથી અને સમયબદ્ધ રીતે સંસ્થાનું કાર્ય આગળ વધ્યું છે. માં ઉમિયાના આશીર્વાદથી એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને તે માટે સંસ્થાએ કાર્ય કર્યું છે. સમાજના યુવાનોને સ્કોલરશીપ અને ઉચ્ચ શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવ્યો છે. આ ઉપરાંત વિકાસ અને પ્રકૃતિના સંતુલન માટે સંસ્થા એ મોટા પાયે વૃક્ષારોપણ પણ કર્યું છે. સમગ્ર સમાજને એક સુત્ર માં બાંધવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જે પુરુષાર્થ કર્યો તે ખરેખર પ્રશંસનીય છે. માં ઉમિયાનું ૫૦૪ વિશ્વનું સૌથી ઊંચું મંદિર જ્યાં બનવાનું છે તે સ્થળે દર્શન કરી ધન્યતા અનુભવું છું.
ગૃહમંત્રી શાહે કહ્યું કે, વર્ષ ૨૦૧૪-૨૫ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે આર્થિક વિકાસના ક્ષેત્રમાં અનેક હરણફાળ ભરી છે. ૨૦૧૪ માં મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે દેશ વિશ્વમાં ૧૧ માં નંબરની અર્થવ્યવસ્થા હતો, આજે દેશ વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને ૨૦૨૭ માં આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યાં છીએ. ૨૦૧૩-૧૪ માં દેશમાં દેશમાં માત્ર ૫૦૦ સ્ટાર્ટ અપ હતાં જ્યારે ૨૦૧૪-૨૫ દરમિયાન દેશમાં ૨,૦૬,૦૦૦ સ્ટાર્ટ અપ નોંધાઈ ચુક્યા છે. યુનિકોર્ન સ્ટાર્ટ અપ જે પહેના ના બરોબર હતાં તેમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. વિશ્વની મોટી મોટી કંપનીઓ ની શરૂઆત પણ એક સામાન્ય સ્ટાર્ટ અપ સ્વરૂપે જ થઈ હતી.
શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ સહિતના પ્રકલ્પોની શ્રુંખલા યુવાનો માટે ઊભી કરી છે. આઝાદીના શતાબ્દીના વર્ષ ૨૦૪૭ માં તમામ ક્ષેત્રે પ્રથમ ક્રમાંક સાથે વિકસિત ભારતના મોદીજી અને કરોડો દેશવાસીઓના સંકલ્પની પૂર્તિ માટે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને ભારતમાં બનતી ચીજો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો તે ખૂબ જ મહત્વનું છે. આપણા દેશમાં બનતી ચીજોના ભારતમાં વ્યાપક ઉપયોગ સાથે તે વિદેશ માં પણ મોટી માત્રામાં ઉપયોગમાં લેવાય તેનાથી અર્થવ્યસ્થા ખૂબ મજબૂત બનશે. દેશના યુવાનોના ભવિષ્ય માટે મોદીજીના નેતૃત્વમાં એક મજબૂત ઇકો સિસ્ટમ બની છે. આપણે હાલ ૪.૧૯ ટ્રિલિયન ડોલર GDP સાથે ચોથા ક્રમાંકે છીએ જે ૨૦૨૭ માં વધીને ૫.૦ ટ્રિલિયન ડોલર થવા જઈ રહી છે.
શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિને ટાંકીને જણાવ્યું હતું કે, મોદીજીએ દેશમાં ૨૦૧૭-૧૮ માં ડિજિટલ રેવોલ્યુશનની કલ્પના મૂકી હતી. તે પહેલા દેશમાં ૨૦૧૩-૧૪ માં ૨૦૦ કરોડના મૂલ્યનું ડીજીટલ ટ્રાન્ઝેક્શન થયું હતું જે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૨૩,૮૩૪ કરોડ પંહોચ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં થતાં કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ૫૦% ટ્રાન્ઝેક્શનના એકલા ભારતમાં થાય છે. જે સિદ્ધ કરે છે કે મજબૂત નેતૃત્વ, સંકલ્પ અને સાચી દિશા હોય તો ઘણું પરિવર્તન લાવી શકાય છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે પણ ઘણા પરિવર્તન થવાથી આપણી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે.
આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોદી ૩.૦ માં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, Make in India, Made for the World સૂત્ર સાકાર થઈ રહ્યું છે. ઉદ્યોગકારો અને રોકાણકારોનો ભારત પર ભરોસો વધતો જઈ રહ્યો છે તેના પાયામાં શાંતિ સલામતી અને સુદ્રઢ સુરક્ષા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં આંતરિક સુરક્ષા સલામતીની ઉપસ્થિતિ પણ સંગીત બની છે. મોદીજીની સરકારમાં દેશની યુવા શક્તિને વિકાસના અસીમ અવસર મળી રહ્યા છે, ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ યુવા બિઝનેસ મહાસંમેલન પણ તેનું જીવન ઉદાહરણ છે.
પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતનાના અભિયાનના મંત્ર સાથે જે કાર્ય થઈ રહ્યા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે સુસંગત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, રમતગમત, મહિલા સશક્તિકરણની સહિતની અનેકવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે. નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઇન્ક્લુઝિવ ડેવલોપમેન્ટની દેશને દિશા આપી છે જેના સકરાત્મક પરિણામો દેશને મળી રહ્યા છે.
આ પ્રસંગે મહાસંમેલનમાં ઉપસ્થિત સર્વે એ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ને વેગ આપવા દેશમાં બનતી ચીજોનો ઉપયોગ કરવા અંગે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલ, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, RSS ના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ, સંસ્થાના દીપકભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, ડી.એન.ગોલ સહિત પાટીદાર સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
