<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

‘ગાંધીજીનું નામ નહીં મિટવા દઈએ’: નફરતની રાજનીતિ સામે કોંગ્રેસ મેદાનમાં, સિદ્ધારમૈયાના ભાજપ પર પ્રહાર

વર્તમાન શાસકો ઈતિહાસ બદલવાનો અને મહાત્મા ગાંધીના નામને યોજનાઓ અને સંસ્થાઓમાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

બેંગ્લોર: મહાત્મા ગાંધીના વારસા અને નામનો કથિત રીતે દુરુપયોગ કરવાના અને તેને ભૂંસવાના પ્રયાસો સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર ગાંધીજીની વિચારધારા ખતમ કરવાનો આરોપ લગાવતા રાજ્યવ્યાપી વિરોધની ચીમકી આપી છે.

 

કેન્દ્ર સરકાર અને ભાજપની વિચારધારા સામે કોંગ્રેસે ‘ગાંધીજીના સન્માન’ ને મુદ્દો બનાવીને નવો રાજકીય જંગ છેડ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન શાસકો ઈતિહાસ બદલવાનો અને મહાત્મા ગાંધીના નામને યોજનાઓ અને સંસ્થાઓમાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવવાની ચર્ચાઓ વચ્ચે આ વિવાદ વધુ વકર્યો છે.

 

સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, "અમે ગાંધીજીનું નામ અને તેમની વિચારધારાને ક્યારેય મિટવા દઈશું નહીં. નફરતની રાજનીતિ કરનારાઓ ગોડસેને પૂજે છે, જ્યારે અમે ગાંધીના માર્ગે ચાલીએ છીએ." 

 

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર જાણી જોઈને સ્વાતંત્ર્ય સંગ્રામના મૂલ્યો અને પ્રતીકો પર હુમલો કરી રહી છે. બેંગલુરુમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ "ગાંધી હમારા અભિમાન" ના નારા લગાવ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આગામી દિવસોમાં આ મુદ્દે કોંગ્રેસ દેશભરમાં આંદોલન ઉગ્ર બનાવે તેવી શક્યતા છે.

 

(11:14 AM IST)