<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

અમેરિકાના ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાયા :એક પાયલટનું મોત : એરક પાયલોટ ગંભીર

ન્યૂજર્સીના હેમન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે એન્સ્ટ્રોમ F-28A અને એન્સ્ટ્રોમ 280C હેલિકોપ્ટર વચ્ચે અકસ્માત : બંને હેલિકોપ્ટરમાં માત્ર પાયલટ જ સવાર હતા અને અન્ય કોઈ મુસાફરો નહોતા

અમેરિકાના ન્યૂજર્સીમાં એક અત્યંત ગંભીર હવાઈ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાયા હતા. આ ભીષણ ટક્કરમાં એક પાયલટનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા હેલિકોપ્ટરનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના ન્યૂજર્સીના હેમન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે બની હતી.

આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ એક હેલિકોપ્ટર ખૂબ જ ઝડપથી ગોળ ફરતું જમીન તરફ પટકાય છે.

અકસ્માત સ્થળ નજીક કેફે ધરાવતા સેલ સિલિપિનોએ જણાવ્યું કે બંને પાયલટ તેમના કેફેમાં નિયમિત આવતા હતા. તેમણે જોયું કે હવામાં ઉડતી વખતે અચાનક એક હેલિકોપ્ટર નીચે તરફ ફરવા લાગ્યું અને જોતજોતામાં બીજું હેલિકોપ્ટર પણ તેની સાથે નીચે આવી પડ્યું હતું. આ અકસ્માતમાં એક પાઈલટનું મૃત્યુ થયું છે અને અન્ય એકની હાલત નાજુક છે.  

 ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યા અનુસાર આ અકસ્માત એન્સ્ટ્રોમ F-28A (Enstrom F-28A) અને એન્સ્ટ્રોમ 280C (Enstrom 280C) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં માત્ર પાયલટ જ સવાર હતા અને અન્ય કોઈ મુસાફરો નહોતા. પોલીસના જણાવ્યા મુજબ સવારે લગભગ 11:25 વાગ્યે આ અકસ્માતની જાણ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી તપાસ ટુકડીઓ અને એવિએશન વિભાગ દ્વારા આ અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

(1:01 PM IST)