News of Monday, 29th December 2025
સૂરીનામમાં ક્રૂર હત્યાકાંડ: પિતાએ જ પોતાના ૪ સંતાનો સહિત ૯ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, નવા વર્ષ પહેલા દેશમાં શોકનું મોજું
રાજધાની પેરામારિબો નજીક રિચેલીયુમાં છરી વડે ભયાનક હુમલો; પત્ની સાથે ફોન પર ઝઘડો થયા બાદ પાગલ થયેલા શખ્સે પડોશીઓને પણ ન છોડ્યા, પોલીસ પર હુમલો કરતા આરોપીને પગમાં ગોળી વાગી

પેરામારિબો (સૂરીનામ) : દક્ષિણ અમેરિકાના નાના અને શાંત ગણાતા દેશ સૂરીનામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવા વર્ષના આગમન પહેલા જ એક શખ્સે કથિત રીતે માનસિક સંતુલન ગુમાવીને પોતાના જ પરિવાર અને પડોશીઓ પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ ૯ લોકોના મોત થયા છે, જેમાંથી ૫ માસૂમ બાળકો છે.
પરિવાર અને પડોશીઓ પર હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, આ કરુણ ઘટના રાજધાની પેરામારિબોથી ૨૫ કિમી દૂર આવેલા રિચેલીયુ શહેરમાં બની હતી. ૪૩ વર્ષીય હુમલાખોરનો તેની પત્ની સાથે ફોન પર ઉગ્ર ઝઘડો થયો હતો. પત્નીએ બાળકોને લેવા આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા પિતાએ પોતાની ૧૧ વર્ષની પુત્રી પર છરીના ૪૪ ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરે પોતાના ૪ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ, મદદ માટે દોડી આવેલા પડોશીઓ પર પણ હુમલો કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતા જ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આરોપીએ પોલીસ અધિકારીઓ પર પણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. હાલ આરોપી પોલીસ દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલામાં અન્ય એક પુખ્ત અને એક બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
સૂરીનામના રાષ્ટ્રપતિ જેનિફર ગીર્લિંગ્સ-સિમન્સે આ ઘટનાને દેશ માટે અત્યંત દુઃખદ ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જ્યારે મિત્રો અને પરિવારે એકબીજાને સાથ આપવો જોઈએ, ત્યારે એક પિતાએ જ પોતાના બાળકો અને પડોશીઓના જીવ લીધા તે અત્યંત આઘાતજનક છે." સૂરીનામમાં સામાન્ય રીતે ગુનાખોરીનો દર ઘણો ઓછો હોય છે, પરંતુ આ સામુહિક હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
