News of Monday, 29th December 2025
બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે 'કાળી રાત': જીવતા સળગાવવાનો ખૌફનાક ખેલ : સાહા પરિવારના ઘર રાખમાં ફેરવાયા
પિરોજપુરમાં કટ્ટરપંથીઓએ દરવાજા બહારથી બંધ કરી ઘરોને આગ ચાંપી: 8 સભ્યોએ પતરાં તોડી જીવ બચાવ્યો પણ પાલતુ પશુઓ ભડથું થયા

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. પિરોજપુર જિલ્લાના પશ્ચિમ ડુમરીતાલા ગામમાં શનિવારની વહેલી સવાર સાહા પરિવાર માટે કાળમુખી સાબિત થઈ હતી. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કથિત રીતે પલાશ કાંતિ સાહાના ઘરને નિશાન બનાવી, બહારથી દરવાજા સાંકળ મારી દીધા હતા જેથી અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકે અને ત્યારબાદ ઘરોને આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં ત્રણ પરિવારોના આશિયાના રાખના ઢગલામાં ફેરવાઈ ગયા. પરિવારના આઠ સભ્યોએ લોખંડના પતરાં અને વાંસની વાડ કાપીને મહામુસીબતે જીવ બચાવ્યો હતો, પરંતુ તેમના મૂંગા પશુઓ આ આગમાં જીવતા ભુંજાઈ ગયા હતા.
આ ઘટનાએ માત્ર બાંગ્લાદેશ જ નહીં પણ ભારતમાં પણ રોષ ફેલાવ્યો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર આ ગંભીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધની હિંસા હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ રીતે વ્યવસ્થિત રીતે હિન્દુઓને ટાર્ગેટ કરવા એ કોઈ મોટા કાવતરાનો ભાગ છે? નોંધનીય છે કે, ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાના મેડિકલ રિપોર્ટે પણ દુનિયાને હચમચાવી દીધી છે, જેમાં તેને આપવામાં આવેલી શારીરિક યાતનાઓ અને તૂટેલી કરોડરજ્જુ જેવી ગંભીર ઈજાઓનો ઉલ્લેખ છે. આ ઘટનાઓ દર્શાવે છે કે પડોશી દેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.
સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે પોલીસે અત્યાર સુધી પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ ભયભીત સાહા પરિવાર હજુ પણ મીડિયા સામે આવતા ડરી રહ્યો છે. ઢાકાથી 240 કિલોમીટર દૂર બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હિન્દુ પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક પરિવારો હવે સુરક્ષાના અભાવે પલાયન કરવા મજબૂર બન્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનો આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે, જ્યારે બાંગ્લાદેશમાં દરરોજ કોઈને કોઈ હિન્દુ પરિવારનું ઘર કે મંદિર કટ્ટરપંથીઓની ભેટ ચઢી રહ્યું છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
