<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

કાશ્મીરમાં 'ચિલ્લાઈ કલાન' ની કડકડતી ઠંડી વચ્ચે કડક સુરક્ષા: નવા વર્ષની ઉજવણી પર આતંકી હુમલાનો ડર

શ્રીનગરથી ગુલમર્ગ સુધી સુરક્ષા દળોનું 'ઓપરેશન વિજિલન્સ': આતંકવાદીઓએ ખરાબ હવામાનનો ઓથો લઈ બદલી વ્યૂહરચના: CRPF અને SOG ના જવાનોએ સંવેદનશીલ વિસ્તારોમાં બિછાવ્યું લોખંડી જાળું

શ્રીનગર:  નવા વર્ષ ૨૦૨૬ના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં સુરક્ષા એજન્સીઓએ 'હાઈ એલર્ટ' જાહેર કરી દીધું છે. શ્રીનગરના લાલ ચોકથી લઈને સરહદી વિસ્તારો સુધી પોલીસ, CRPF અને સેનાની સંયુક્ત ટીમોએ મોરચો સંભાળી લીધો છે. સામાન્ય રીતે 'ચિલ્લાઈ કલાન' એટલે કે શિયાળાના સૌથી ઠંડા ૪૦ દિવસો દરમિયાન આતંકી ગતિવિધિઓ ઠંડી પડી જતી હોય છે, પરંતુ આ વર્ષે ગુપ્તચર એજન્સીઓને ચોંકાવનારા ઇનપુટ્સ મળ્યા છે. આતંકવાદીઓ ભારે હિમવર્ષા અને ધુમ્મસનો લાભ લઈને ઘૂસણખોરી કે હુમલા કરવાની ફિરાકમાં હોવાથી સુરક્ષા દળોએ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનની ગતિ તેજ કરી દીધી છે.

શ્રીનગરના પ્રવેશદ્વારો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આકસ્મિક નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓના મનપસંદ સ્થળો જેવા કે દાલ તળાવ, ગુલમર્ગ અને પહેલગામમાં નવા વર્ષની પાર્ટીઓ માટે ભારે ભીડ ઉમટી છે, જેને ધ્યાનમાં રાખીને હોટલો અને શિકારાઓની આસપાસ સાદા ડ્રેસમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા અને હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા દરેક શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો નિર્ભયપણે ઉત્સવ મનાવી શકે.

સુરક્ષા દળો માટે સૌથી મોટો પડકાર બદલાયેલું 'ટેરર મોડ્યુલ' છે. આ વખતે આતંકીઓએ આકરી ઠંડીમાં નિષ્ક્રિય રહેવાને બદલે ખરાબ દ્રશ્યતા (Low Visibility) નો ઉપયોગ કરવાની રણનીતિ અપનાવી છે. શ્રીનગરના શહેરી વિસ્તારોમાં અનેક સ્થળોએ નવા ચેકપોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દુશ્મન ગમે તેટલા વેશ બદલે, પરંતુ કાશ્મીરની શાંતિ ડહોળવાના તેમના મનસૂબા ક્યારેય સફળ થવા દેવામાં નહીં આવે. આ કડક બંદોબસ્ત વચ્ચે કાશ્મીર ખીણ નવા વર્ષને આવકારવા માટે સજ્જ થઈ રહી છે.

(10:20 PM IST)