<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સિંધુ સંધિના ચીંથરા ઉડ્યા? ચીનાબ પર ભારતના 'દુલ્હસ્તી-III' પ્રોજેક્ટથી પાકિસ્તાનમાં ફફડાટ: શેરી રહેમાને ગણાવ્યું 'વોટર વેપનાઇઝેશન'

પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણથી ઇસ્લામાબાદ લાચાર : ₹3,200 કરોડના હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી મળતા જ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે રડવાનું શરૂ કર્યું : ભારતે કહ્યું- "આતંક અને પાણીના કરારો હવે સાથે નહીં ચાલે"

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર ભારતના ૨૬૦ મેગાવોટના 'દુલ્હસ્તી III-સ્ટેજ' હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મળેલી મંજૂરીએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. એપ્રિલ ૨૦૨૫ના પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ ભારતીયોના લોહી વહેવડાવ્યા બાદ, મોદી સરકારે સ્પષ્ટ કર્યું હતું કે "લોહી અને પાણી સાથે વહી શકે નહીં." આ જ રણનીતિ હેઠળ ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. હવે જ્યારે ભારતે આશરે ₹૩,૨૦૦ કરોડના ખર્ચે નદી પર પ્રોજેક્ટ આગળ વધાર્યો છે, ત્યારે પાકિસ્તાની સાંસદ શેરી રહેમાને ભારત પર "પાણીને હથિયાર"  બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, ભારતે આ આરોપોને ફગાવીને સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરનો વિકાસ એ ભારતનો આંતરિક અને સાર્વભૌમ અધિકાર છે.

નિષ્ણાત મૂલ્યાંકન સમિતિએ તેના અહેવાલમાં મંજૂરી આપતા નોંધ્યું છે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નદીના કુદરતી વહેણ પર આધારિત છે અને તે સંધિની તકનીકી જોગવાઈઓનું ઉલ્લંઘન કરતો નથી. પરંતુ પાકિસ્તાન માટે ચિંતાનો વિષય એ છે કે ૨૩ એપ્રિલ ૨૦૨૫થી ભારતે આ સંધિને સત્તાવાર રીતે સ્થગિત કરી દીધી છે, જેનો અર્થ છે કે હવે ભારત પશ્ચિમી નદીઓ (સિંધુ, જેલમ અને ચેનાબ) ના પાણીના મહત્તમ ઉપયોગ માટે મુક્ત છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા કહ્યું કે આનાથી ભારત-પાક સંબંધો વધુ વણસશે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જે દેશ આતંકવાદને આશ્રય આપે છે તેની સાથે સદભાવનાના કરારો ટકી શકે નહીં.

વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, દુલ્હસ્તી-III પ્રોજેક્ટ માત્ર વીજળી ઉત્પન્ન કરવા માટે જ નહીં, પરંતુ પાકિસ્તાન પર વ્યૂહાત્મક દબાણ લાવવા માટે પણ મહત્વનો છે. પાકિસ્તાની જનતામાં 'જળ સંકટ'ની ખોટી વાર્તા ઘડીને શેરી રહેમાન જેવા નેતાઓ આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારતની 'ગ્રીન એનર્જી' અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ગતિ અટકવાની નથી. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ ડામાડોળ છે અને હવે પાણીની તંગીના ભયે ઇસ્લામાબાદમાં રાજકીય હતાશા પેદા કરી છે. ભારતનો આ નિર્ણય સ્પષ્ટ સંદેશ છે કે તે હવે પડોશી દેશની બ્લેકમેઇલિંગ ડિપ્લોમસી સામે ઝૂકશે નહીં અને પોતાની ઉર્જા સુરક્ષાને સર્વોપરી રાખશે.

(10:22 PM IST)