<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

યુક્રેને પુતિનના ઘર પર ૯૧ ડ્રોનથી હુમલો કર્યો

હવે જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે રશિયા : પુતિને ટ્રમ્‍પને બેધડક જવાબ આપી દીધો ...જ્‍યારે તેમના ઘરમાં હુમલો થઈ રહ્યો છે શાંતિની વાત નકામી લાગે છે. પુતિને રોકડું પરખાવી દેતા કહ્યું કે હવે કીવને તેની ભારે કિમત ચૂકવવી પડશે

નવી દિલ્‍હી તા.૩૦: રશિયા-યુક્રેન યુદ્ધ હવે વિનાશકારી વળાંક પર આવી ચૂક્‍યું છે. ૨૮-૨૯ ડિસેમ્‍બર ૨૦૨૫ની અડધી રાતે પુતિનના નોવગોરોદમાં આવેલા આવાસ પર ૯૧ ડ્રોનથી હુમલો થયો છે. જોકે, રશિયાના એર ડિફેન્‍સે તમામ ડ્રોનને નષ્ટ કરી દીધા છે. પણ આ હુમલાએ ક્રેમલિનની સુરક્ષામાં મોટું ગાબડું પાડવાની કોશિશ કરી છે.

પુતિન આ હુમલાથી બરાબરના ગુસ્‍સે થયા છે. રશિયાએ તેને ડાયરેક્‍ટ પોતાના રાષ્ટ્રપતિની હત્‍યાના કાવતરું તરીકે ગણાવી રહ્યા છે. આ તણાવની વચ્‍ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પુતિનને ફોન કર્યો હતો. ટ્રમ્‍પે પુતિનને શાંતિ જાળવી રાખવા અને યુદ્ધ ન ભડકાવવા અપીલ કરી છે. પણ પુતિનનો ગુસ્‍સો શાંત થયો નથી.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પુતિને ટ્રમ્‍પને બેધડક જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે જ્‍યારે તેમના ઘરમાં હુમલો થઈ રહ્યો છે શાંતિની વાત નકામી લાગે છે. પુતિને રોકડું પરખાવી દેતા કહ્યું કે હવે કીવને તેની ભારે કિમત ચૂકવવી પડશે.

બીજી તરફ ઝેલેન્‍સ્‍કીએ આ હુમલાને રશિયાનું સફેદ જુઠાણું અને પ્રોપેગેન્‍ડા ગણાવ્‍યો છે. ઝેલેન્‍સ્‍કીનું કહેવું છે કે, યુક્રેન કટનીતિના રસ્‍તે ચાલી રહ્યું છે. તેમણે ટ્રમ્‍પની ટીમ સાથે મળીને શાંતિ સ્‍થાપવાની વાત વાગોળી હતી. પણ મોસ્‍કો આ દલીલો સાંભળવાના મૂડમાં નથી. રશિયાની સેના હવે કીવના સરકારી ભવનો અને મહત્ત્વના ઠેકાણા પર મોટી મિસાઈલ એટેકની તૈયારી કરી રહ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે કે હવે વાતચીતની નીતિ પર ફેરવિચારણા કરીશું. પુતિનના આવાસ પર હુમલો રેડ લાઈન ક્રોસ કરી છે. ટ્રમ્‍પની શાંતિ યોજના હવે નકામી દેખાઈ રહી છે. જો રશિયાએ કીવ પર વળતો પ્રહાર કર્યો તો આ યુદ્ધ વૈશ્વિક સંઘર્ષમાં બદલાઈ શકે છે. આખી દુનિયા હવે ક્રેમલિનના આગામી આદેશની આતુરતા અને ડર સાથે રાહ જોઈ રહી છે.

(9:56 AM IST)