News of Tuesday, 30th December 2025
ચાંદીમાં પુનઃ તેજી : ૭૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી એક કિલોના ભાવ ર,૩ર,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૩૯,૦૦૦ રૂા. થયા : સોનામાં ૧૫૦૦ રૂા. વધ્યા : ગઇકાલે અફડાતફડી બાદ ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ હતા તે ઘટીને ર,૩ર,૦૦૦ ની સપાટીએ બંધ રહયા બાદ આજે ફરી ઉછાળોઃ સોનાના ભાવ વધીને ૧,૩૯,પ૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩૦: ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં ભારે અફડાતફડી થયા બાદ આજે ફરી બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૭૦૦૦ રૂા. અને સોનામાં ૧૫૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી અને ૭૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ગઇકાલે રાત્રે ર,૩ર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૭,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા અને બપોરે એકાએક ગાબડુ પડતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. મોડી રાત્રે ચાંદીના ભાવ નીચામાં ર,૩૦,૦૦૦ રૂા.ની સપાટી સ્પર્શી ર,૩ર,૦૦૦ ના ભાવે બંધ રહી હતી. આજે બજારો ખુલતાની સાથે જ ફરી ૭૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૫૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનાના ભાવ ૧,૩૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૩૯,૫૦૦ રૂા. થયા છે. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૧,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૩૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ બંધ રહયા હતા અને આજે ફરી ૧૫૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
ગત સપ્તાહમાં સતત તેજીને કારણે ચાંદી અને સોનાના ભાવમાં ભારે ઉછાળો થયો હતો. જો કે ગઇકાલે નવા સપ્તાહના પ્રારંભે રશીયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં શાંતિ કરારના અહેવાલના પગલે તથા પ્રોફીટ બુકીંગને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલી ગયો હતો. આજે ફરી બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. (૪.૭)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
