<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

અલ્‍મોરામાં બસ ખીણમાં ખાબકતા ૭ના મોત

સીએમ ધામીએ દુઃખ વ્‍યક્‍ત કર્યુઃ અનેકને ઇજાઃ ઉચ્‍ચસ્‍તરીય તપાસના આદેશ

અલ્‍મોરા, તા.૩૦: ઉત્તરાખંડના પહાડોમાં મુસાફરી કરવી એ જેટલું આહલાદક છે, તેટલું જ જોખમી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. અલ્‍મોરા જિલ્લાના ભીખિયાસૈન-વિનાયક રોડ પર શિલાપાણી નજીક એક ભયાનક માર્ગ અકસ્‍માત સર્જાયો હતો. દ્વારહાટથી રામનગર જઈ રહેલી બસ એકાએક ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ અને જોતજોતામાં ઊંડી ખીણમાં પલટી ખાઈ ગઈ. અકસ્‍માત એટલો જોરદાર હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્‍થળે હાજર લોકોના કાળજા કંપી જાય તેવી ચીસો સંભળાઈ હતી. આ દુર્ઘટનામાં ૪ પુરુષો અને ૩ મહિલાઓ સહિત કુલ ૭ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્‍યા છે.

દુર્ઘટનાની જાણ થતા જ સ્‍થાનિક ગ્રામજનો દેવદૂત બનીને મદદે દોડી આવ્‍યા હતા. ત્‍યારબાદ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને SDRF (સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ) ની ટીમોએ ઘટનાસ્‍થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. પહાડી ભૂ-દેશ અને સાંકડા રસ્‍તાઓને કારણે ઘાયલોને ખીણમાંથી બહાર કાઢવામાં ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો. બસમાં આશરે ૧૭ થી ૧૮ મુસાફરો સવાર હતા, જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયેલા લોકોને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ મારફતે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાથી મળત્‍યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.પ્રાથમિક તપાસ મુજબ, અકસ્‍માત શિલાપાણીના અત્‍યંત સાંકડા અને તીવ્ર વળાંકવાળા રસ્‍તા પર થયો હતો. એવી શંકા છે કે વળાંક લેતી વખતે બસની સ્‍પીડ વધારે હોવાને કારણે અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાતા ડ્રાઈવરે સંતુલન ગુમાવ્‍યું હશે. ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીએ આ ઘટના પર ઊંડો શોક વ્‍યક્‍ત કર્યો છે અને ઈજાગ્રસ્‍તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે માટે અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે મળતકોના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરતા આ ઘટનાની વિગતવાર તપાસ કરાવવાની ખાતરી આપી છે

(3:16 PM IST)