News of Tuesday, 30th December 2025
દક્ષિણ ભારતના બે રાજ્યો વચ્ચે રાજકીય સંગ્રામ: ડીકે શિવકુમારના ‘અમે કેરળવાસીઓને નથી ઈચ્છતા’ નિવેદનથી ભારે હોબાળો
બેંગલુરુમાં ડિમોલિશન ડ્રાઈવ મુદ્દે પિનરાઈ વિજયનની ટીકાનો શિવકુમારે આપ્યો આકરો જવાબ; ભાજપે કોંગ્રેસને ‘વિભાજનકારી’ ગણાવી ઘેરી

બેંગલુરુ, તા.૩૦ : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના એક વિવાદાસ્પદ નિવેદને દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. બેંગલુરુના કોગિલુ વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલિશન ડ્રાઈવ (દબાણ હટાવો ઝુંબેશ) અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કરેલી ટીકાના જવાબમાં શિવકુમારે કહ્યું કે, "અમને કોઈ કેરળવાસીઓ જોઈતા નથી, અમારા મુખ્યમંત્રી અહીં છે અને તેમને તેમનું કામ કરવા દો." આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રાદેશિકવાદ અને વિભાજનકારી રાજનીતિનો આરોપ લગાવી આક્રમક પ્રહારો કર્યા છે.
શું હતો વિવાદ?
બેંગલુરુના કોગિલુમાં સરકારી જમીન પર થયેલા અતિક્રમણને હટાવવા માટે કર્ણાટક સરકાર બુલડોઝર ચલાવી રહી છે. કેરળના સીએમ પિનરાઈ વિજયને આ કાર્યવાહીને "લઘુમતી વિરોધી આક્રમક રાજકારણ" ગણાવીને તેની તુલના ઉત્તર ભારતના "બુલડોઝર રાજ" સાથે કરી હતી. વિજયને આરોપ લગાવ્યો હતો કે આમાં મુસ્લિમ રહેવાસીઓને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ટીકાથી રોષે ભરાયેલા ડીકે શિવકુમારે પલટવાર કરતા કેરળના નેતાઓને કર્ણાટકના આંતરિક મામલામાં દખલ ન કરવા ચેતવણી આપી હતી.
ભાજપનો કોંગ્રેસ પર પલટવાર
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આ મુદ્દે કોંગ્રેસને ઘેરતા સવાલ કર્યો કે, શું કેરળના વાયનાડથી ચૂંટણી લડનારા પ્રિયંકા ગાંધી વાડ્રા આ 'મલયાલી વિરોધી' નિવેદન સાથે સંમત છે? તેમણે આને કોંગ્રેસની "ટુકડે-ટુકડે" માનસિકતા ગણાવી હતી. બીજી તરફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસ એકબાજુ બંધારણની વાત કરે છે અને બીજી બાજુ ભાષા તથા ભૂગોળના નામે લોકોને વહેંચવાનું કામ કરે છે.
શિવકુમારનો બચાવ: જમીન માફિયાઓ સામે કાર્યવાહી
વિવાદ વધતા ડીકે શિવકુમારે ડિમોલિશન ડ્રાઈવનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ઘન કચરા વ્યવસ્થાપન માટે અનામત રાખવામાં આવેલી "ગોમાલા" (ગૌચર) જમીન પર થયેલા ગેરકાયદેસર કબજા સામે છે. તેમણે દાવો કર્યો કે જમીન માલિકોએ ગરીબ લોકો પાસેથી ૧ થી ૨ લાખ રૂપિયા લઈને તેમને ગેરકાયદેસર રીતે ત્યાં વસાવ્યા હતા. સરકાર વાસ્તવિક રહેવાસીઓને સ્થાનાંતરિત કરવાની ઓફર કરી રહી છે, પરંતુ જમીન માફિયાઓને છોડવામાં આવશે નહીં.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
