News of Tuesday, 30th December 2025
CBSE બોર્ડ પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર: ૩ માર્ચના રોજ યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પાછી ઠેલાઈ; જાણો નવું ટાઈમટેબલ
વહીવટી કારણોસર લેવાયો નિર્ણય; ધોરણ ૧૨નું લીગલ સ્ટડીઝનું પેપર હવે ૧૦ એપ્રિલે લેવાશે, જ્યારે અન્ય વિષયોની તારીખો યથાવત

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન મુજબ, અગાઉ ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ જે પરીક્ષાઓ લેવામાં આવનાર હતી, તેને વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ફેરફાર માત્ર ૩ માર્ચની પરીક્ષા પૂરતો જ મર્યાદિત છે, બાકીના તમામ વિષયોની પરીક્ષાઓ અગાઉ નક્કી કરેલા ટાઈમટેબલ મુજબ જ યોજાશે.
ધોરણ ૧૨: એક મહિનાથી વધુનો સમય મળશે
ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ 'કાનૂની અધ્યયન' (Legal Studies)નું પેપર હતું. હવે આ પરીક્ષા સીધી ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ લેવામાં આવશે. આ ફેરફારને કારણે વિદ્યાર્થીઓને આ વિષયની તૈયારી માટે એક મહિનાથી પણ વધુનો વધારાનો સમય મળી રહેશે.
ધોરણ ૧૦: ૧૧ માર્ચ નવી તારીખ
ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૩ માર્ચના રોજ જર્મન, તિબેટી, સ્પેનિશ, કાશ્મીરી જેવી વિવિધ ભાષાઓ અને NCC તથા એકાઉન્ટન્સીના તત્વો જેવા વૈકલ્પિક વિષયોની પરીક્ષા હતી. આ તમામ પેપરો હવે ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ લેવામાં આવશે.
એડમિટ કાર્ડ અને તૈયારી
CBSEએ સ્પષ્ટતા કરી છે કે આ સુધારેલી તારીખો વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્ડ (Admit Card)માં પણ જોવા મળશે. શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક ધોરણે આ માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડે જેથી પરીક્ષાની તૈયારીમાં કોઈ મૂંઝવણ ન રહે.
વિદ્યાર્થીઓ માટે સૂચના
બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી તારીખોની નોંધ ડાયરીમાં કરી લે અને બાકીના મુખ્ય વિષયોની તૈયારી જૂના શેડ્યૂલ પ્રમાણે જ ચાલુ રાખે. સત્તાવાર અપડેટ્સ માટે CBSEની વેબસાઈટ નિયમિતપણે ચેક કરતા રહેવું હિતાવહ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
