News of Tuesday, 30th December 2025
“બંગાળમાં હવે પરિવર્તન નક્કી”: અમિતભાઈ શાહે મમતા સરકાર સામે રણશિંગુ ફૂંક્યું; આગામી ચૂંટણીમાં ભાજપ ૨/૩ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો મક્કમ આત્મવિશ્વાસ
ઘૂસણખોરી અને મહિલા સુરક્ષા બનશે ચૂંટણીના મુખ્ય મુદ્દા; આર.જી. કર જેવી ઘટનાઓએ રાજ્યની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી નાખી હોવાનો શાહનો આકરો પ્રહાર

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોલકાતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભવિષ્યવાણી કરી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં બે તૃતીયાંશ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવશે અને સત્તાના સૂત્રો સંભાળશે. તેમણે ઉમેર્યું કે રાજ્યની જનતા હવે ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી કંટાળી ગઈ છે.
ભાજપનો વધતો જતો ગ્રાફ
અમિતભાઈ શાહે પક્ષના વધતા જતા પ્રભાવના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૬માં જે પાર્ટી પાસે માત્ર ૩ બેઠકો હતી, તેણે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ૭૭ બેઠકો મેળવીને મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૧ ટકા મતો અને ૧૮ બેઠકો મળી હતી, જે સાબિત કરે છે કે બંગાળના લોકો ભાજપની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ભાજપ બહુમતીનો આંકડો સરળતાથી પાર કરી લેશે.
ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
ગૃહમંત્રીએ ઘૂસણખોરીને રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો ગણાવતા મમતા બેનર્જી સરકારને ઘેરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આગામી ચૂંટણી બંગાળમાં ઘૂસણખોરી રોકવા અને ઘૂસણખોરોને હાંકી કાઢવાના મુદ્દે લડવામાં આવશે." તેમણે આક્ષેપ કર્યો કે તૃણમૂલ સરકાર વોટબેંકના રાજકારણને કારણે સરહદ પારથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી છે, જે રાજ્ય અને દેશ બંને માટે જોખમી છે.
મહિલા સુરક્ષા પર સવાલ
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા અમિતભાઈ શાહે આર.જી. કર હોસ્પિટલ અને કસ્બા લો કોલેજની બળાત્કારની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી અને મમતા બેનર્જીના શાસનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટે બંગાળના ગૌરવને નુકસાન પહોંચાડ્યું છે, જેને સુધારવા માટે ભાજપ પ્રતિબદ્ધ છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
