News of Tuesday, 30th December 2025
“પોતાના આંગણામાં જુઓ, બીજા પર આંગળી ન ચીંધો”: પાકિસ્તાનના ‘લઘુમતી વિલાપ’ પર ભારતનો જડબાતોડ જવાબ; MEA એ ઈસ્લામાબાદનો અરીસો બતાવ્યો
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા વ્યવસ્થિત અત્યાચારો વિશ્વ આખું જાણે છે; ક્રિસમસની ઘટનાઓ પર પાડોશી દેશની ટિપ્પણીને ભારતે સખત શબ્દોમાં ફગાવી દીધી

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર આકરો પાઠ ભણાવ્યો છે. ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અને ક્રિસમસની ઉજવણી દરમિયાન કથિત ઘટનાઓ પર પાકિસ્તાને કરેલી ટિપ્પણીઓને વિદેશ મંત્રાલયે (MEA) સદંતર ફગાવી દીધી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે દેશનો પોતાનો રેકોર્ડ લઘુમતીઓના રક્ષણ બાબતે અત્યંત ખરાબ અને કલંકિત રહ્યો હોય, તેને ભારત પર આંગળી ચીંધવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
ભારતનો આકરો પ્રતિભાવ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન દ્વારા તેમના દેશમાં વસતા વિવિધ ધર્મોના લઘુમતીઓ પર ‘ભયાનક અને વ્યવસ્થિત રીતે અત્યાચાર’ કરવામાં આવે છે, જે એક સ્થાપિત હકીકત છે. પાકિસ્તાન ગમે તેટલી આંગળીઓ ચીંધે, પરંતુ તેનાથી તેની પોતાની કાળી કરતૂતો છુપાઈ જશે નહીં.” જયસ્વાલે ઉમેર્યું કે પાકિસ્તાને ભારતને સલાહ આપવાને બદલે પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
પાકિસ્તાને શું વિવાદ કર્યો હતો?
ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં ક્રિસમસ દરમિયાન કેટલીક જગ્યાએ થયેલી કથિત તોડફોડનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારતમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અવારનવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા માટે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અને ભ્રામક પ્રચાર કરવાનો પ્રયાસ કરતું રહે છે.
પાકિસ્તાનનો કલંકિત ઈતિહાસ
ભારતે પાકિસ્તાનને અરીસો બતાવતા યાદ અપાવ્યું છે કે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તી છોકરીઓના બળજબરીથી ધર્માંતરણ અને ધાર્મિક સ્થળોના તોડફોડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. વિશ્વભરની માનવાધિકાર સંસ્થાઓ પાકિસ્તાનમાં લઘુમતીઓની ઘટતી જતી સંખ્યા અને તેમના પર થતા અત્યાચારો અંગે અનેકવાર અહેવાલો રજૂ કરી ચૂકી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનનું નિવેદન તેની હતાશા અને ભારત વિરોધી એજન્ડા સિવાય બીજું કંઈ નથી.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
