News of Tuesday, 30th December 2025
ભારતનો આર્થિક વિજયધ્વજ: જાપાનને પછાડી ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : હવે જર્મની પર નજર
4.18 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે ભારતે રચ્યો ઇતિહાસ : સૂર્ય ઉગતા દેશ જાપાનને આર્થિક રેસમાં પાછળ છોડ્યા બાદ હવે 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સત્તા બનવા તરફ મક્કમ ડગલાં : 7.3 ટ્રિલિયન ડોલરનો નવો લક્ષ્યાંક

નવી દિલ્હી: વર્ષ 2025ના અંતિમ દિવસોમાં ભારત માટે ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. ભારત સત્તાવાર રીતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) હવે $4.18 ટ્રિલિયન યુએસ ડોલરના આંકડાને સ્પર્શી ગયું છે. આ સિદ્ધિ માત્ર આંકડાકીય રમત નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી આર્થિક તાકાત અને મજબૂત સ્થાનિક બજારનો પુરાવો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમલી બનાવેલા માળખાગત સુધારા, ડિજિટલ ક્રાંતિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલી તેજીને કારણે ભારત આ પાયદાન હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
સરકારી અહેવાલમાં જણાવ્યા અનુસાર, ભારત હાલમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. જાપાન જેવો વિકસિત દેશ લાંબા સમયથી આર્થિક સુસ્તી અને વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહ્યો છે, જેનો લાભ ભારતને મળ્યો છે. હવે ભારતની નજર જર્મની પર છે, જે હાલમાં ત્રીજા ક્રમે છે. નિષ્ણાતોના મતે, જે ઝડપે ભારતનો વિકાસ દર આગળ વધી રહ્યો છે, તે જોતા આગામી 2.5 થી 3 વર્ષમાં ભારત જર્મનીને પણ પાછળ છોડી દેશે. 2030 સુધીમાં $7.3 ટ્રિલિયનના અંદાજિત જીડીપી સાથે ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી શક્તિશાળી અર્થતંત્ર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
આ સિદ્ધિ બાદ વૈશ્વિક રોકાણકારો માટે ભારત હવે પ્રથમ પસંદગીનું સ્થળ બની ગયું છે. વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં હવે અમેરિકા, ચીન, જર્મની પછી ભારતનું નામ ચોથા ક્રમે ગર્વથી લેવામાં આવી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ભારત આગામી દાયકામાં સરેરાશ 7% ના દરે વિકાસ કરવાનું ચાલુ રાખશે, તો તે માત્ર ત્રીજું મોટું અર્થતંત્ર જ નહીં બને, પરંતુ કરોડો લોકોના જીવનધોરણમાં પણ મોટો સુધારો જોવા મળશે. આર્થિક મોરચે મળેલી આ સફળતા ભારતને ભવિષ્યમાં 'વિકસિત ભારત 2047' ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મજબૂત પાયો પૂરો પાડશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
