<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

“બંગાળમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું”: કોલકાતામાં અમિતભાઈ શાહનું ગર્જના સાથે મમતા સરકાર સામે રણશિંગુ

૧૫ વર્ષના ભય અને ભ્રષ્ટાચારના શાસનનો અંત આવશે; ૨૦૨૬માં ભાજપની સરકાર બનતા જ વિકાસની ગંગા વહેશે અને બંગાળની અસ્મિતા પુનર્જીવિત થશે

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાલ પશ્ચિમ બંગાળના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રણનીતિ ઘડવા પહોંચેલા શાહે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જનતાને વાયદો કર્યો હતો કે ભાજપની સરકાર આવતા જ બંગાળની સરહદો સીલ કરવામાં આવશે અને રાજ્યમાંથી એક-એક ઘૂસણખોરને શોધીને બહાર કાઢવામાં આવશે.
અમિતભાઈ શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બંગાળની સરહદેથી થઈ રહેલી ઘૂસણખોરી માત્ર એક રાજ્યની સમસ્યા નથી, પરંતુ તે સમગ્ર દેશની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મામલો છે.” તેમણે આક્ષેપ કર્યો હતો કે મમતા બેનર્જીની સરકાર વોટબેંકના રાજકારણ માટે દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરી રહી છે. શાહે દાવો કર્યો હતો કે આ સમસ્યાનો ઉકેલ માત્ર ભાજપની મજબૂત સરકાર જ લાવી શકે છે.
 ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાશે. તેમણે કહ્યું કે, “છેલ્લા ૧૫ વર્ષથી બંગાળ ભય, ભ્રષ્ટાચાર અને કુશાસનનો શિકાર બન્યું છે. અમે સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અને શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાનું બંગાળ બનાવવા માંગીએ છીએ.” ભાજપ સરકાર ગરીબ કલ્યાણને પ્રાથમિકતા આપીને બંગાળના સાંસ્કૃતિક વારસાને ફરીથી ગૌરવ અપાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
 શાહે ૩૦ ડિસેમ્બરના મહત્વને યાદ કરતા જણાવ્યું હતું કે, ૧૯૪૩માં આજના દિવસે જ બંગાળના સપૂત સુભાષ ચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં પ્રથમ વખત આઝાદ ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. તેમણે કહ્યું કે એ જ રીતે હવે બંગાળની જનતાએ પણ ભ્રષ્ટાચાર અને અન્યાય સામે આઝાદ થવાનો સંકલ્પ કરી લીધો છે. એપ્રિલમાં યોજાનારી ચૂંટણીમાં રાજ્યમાં પરિવર્તન નક્કી હોવાનું તેમણે ગર્જના સાથે જણાવ્યું હતું

(8:06 PM IST)