હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાપાનના મહિલા PM ભૂતિયા બંગલામાં રહેવા જશે! ૯૬ વર્ષ જૂના નિવાસસ્થાનમાં ભટકતી આત્માઓનો ફાળ; શું સનાઈ તાકાઈચીની ઊંઘ ઉડી જશે?
૧૯૨૯માં બનેલા આ ઐતિહાસિક બંગલામાં થઈ હતી અનેક રાજનેતાઓની હત્યા; ભૂકંપ બાદ ઓફિસથી અંતર ઘટાડવા તાકાઈચીએ લીધો જોખમી નિર્ણય

ટોક્યો : જાપાનના નવનિયુક્ત અને પ્રથમ મહિલા વડાપ્રધાન સનાઈ તાકાઈચી અત્યારે કોઈ રાજકીય નિર્ણયને કારણે નહીં, પરંતુ તેમના નવા સત્તાવાર નિવાસસ્થાનને કારણે આખી દુનિયામાં હેડલાઈન્સ બની રહ્યા છે. અહેવાલો મુજબ, તાકાઈચી સોમવારે ટોક્યોના હૃદય સમાન વિસ્તારમાં આવેલા ૯૬ વર્ષ જૂના વડાપ્રધાન આવાસમાં રહેવા ગયા છે. આ એ જ ઇમારત છે જેના વિશે દાયકાઓથી એવી લોકવાયકા છે કે અહીં માર્યા ગયેલા સૈનિકો અને નેતાઓની આત્માઓ આજે પણ ભટકે છે.
શા માટે આ બંગલો 'ભૂતિયા' ગણાય છે?
આ આલીશાન બંગલો ૧૯૨૯માં બનાવવામાં આવ્યો હતો. આ ઇમારતનો ઇતિહાસ લોહીલુહાણ રહ્યો છે. ૧૯૩૦ના દાયકામાં અહીં સરકાર ઉથલાવવાના બે નિષ્ફળ પ્રયાસો થયા હતા, જેમાં યુવાન લશ્કરી અધિકારીઓએ તત્કાલીન વડાપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓની નિર્મમ હત્યા કરી હતી. સ્થાનિક માન્યતાઓ મુજબ, તે હિંસામાં માર્યા ગયેલા લોકોની આત્માઓ આજે પણ રાત્રિના સમયે કોરિડોરમાં ફરે છે. આ ઇમારતની દીવાલો પર આજે પણ ગોળીબારના નિશાન જોવા મળે છે, જે તે ભયાનક રાતની યાદ અપાવે છે.
ભૂકંપ બાદ રહેવા જવાની મજબૂરી
સનાઈ તાકાઈચી અગાઉ સાંસદો માટેના આવાસમાં રહેતા હતા. જોકે, ડિસેમ્બરની શરૂઆતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ તેમની ટીકા થઈ હતી કે તેમને રહેણાંકથી ઓફિસ પહોંચતા ૩૫ મિનિટ જેટલો સમય લાગે છે, જે કટોકટીના સમયે જોખમી બની શકે છે. આથી, સુરક્ષા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ૬૪ વર્ષીય તાકાઈચીએ આ 'ભૂતિયા' ગણાતા બંગલામાં રહેવાનો નિર્ણય લીધો છે.
અગાઉના વડાપ્રધાનોનો અનુભવ
રસપ્રદ વાત એ છે કે, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને યોશિહિદે સુગાએ આ ઘરમાં રહેવાનું ટાળ્યું હતું અને લગભગ નવ વર્ષ સુધી આ બંગલો ખાલી રહ્યો હતો. જોકે, ત્યારબાદ આવેલા ફુમિયો કિશિદા અને શિગેરુ ઇશિબાએ ત્યાં રહીને સ્પષ્ટ કર્યું હતું કે તેમને ક્યારેય કોઈ ભૂત દેખાયું નથી. હવે જ્યારે તાકાઈચી આ ઘરમાં પ્રવેશ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે 'કામ, કામ અને માત્ર કામ' માં માનતા આ મહિલા વડાપ્રધાનની ઊંઘ આ રહસ્યમય વાર્તાઓ ઉડાડે છે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
