News of Tuesday, 30th December 2025
ગાંધી પરિવારમાં ગુંજશે શરણાઈઓ: પ્રિયંકા ગાંધીના પુત્ર રાયહાન વાડ્રાની અવિવા બેગ સાથે થશે સગાઈ; જાણો કોણ છે ગાંધી પરિવારની થનારી આ ‘મોડર્ન’ પુત્રવધૂ
૭ વર્ષના લાંબા સંબંધો બાદ રાયહાન અને અવિવા લેશે પ્રભુતામાં પગલાં; ફૂટબોલર, ફોટોગ્રાફર અને બિઝનેસવુમન છે અવિવા, બંને પરિવારો વચ્ચે વર્ષો જૂની મિત્રતા હવે સગપણમાં ફેરવાશે

નવી દિલ્હી: દેશના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય પરિવારોમાંના એક એવા ગાંધી પરિવારમાં મંગલ પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના પુત્ર રાયહાન વાડ્રા ટૂંક સમયમાં તેમની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાયહાન અને અવિવા છેલ્લા ૭ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે બંને પરિવારોની સંમતિથી તેઓ પોતાના સંબંધોને નવું નામ આપવા તૈયાર છે.
દિલ્હીની રહેવાસી અવિવા બેગ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની ડિગ્રી મેળવી છે. અવિવા માત્ર એક કુશળ ફોટોગ્રાફર અને નિર્માતા જ નથી, પરંતુ તેઓ રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલ ખેલાડી પણ રહી ચૂક્યા છે. તેમને પ્રકૃતિ અને સામાજિક મુદ્દાઓ પર ફોટોગ્રાફી કરવાનો ભારે શોખ છે.
અવિવા ‘એટેલિયર ૧૧’ (Atelier 11) ના સહ-સ્થાપક છે, જે એક જાણીતું ફોટોગ્રાફિક સ્ટુડિયો અને પ્રોડક્શન હાઉસ છે. તેમની કંપની મોટા બ્રાન્ડ્સ અને આર્ટ ગેલેરીઓ સાથે મળીને પ્રદર્શનોનું આયોજન કરે છે. રાયહાન વાડ્રા પોતે પણ એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે, આમ બંનેના શોખ અને વ્યવસાય એકબીજા સાથે સુસંગત છે.
અવિવા બેગના પિતા ઇમરાન બેગ દિલ્હીના મોટા ઉદ્યોગપતિ છે, જ્યારે તેમના માતા નંદિતા બેગ જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર છે. રસપ્રદ વાત એ છે કે નંદિતા બેગ અને પ્રિયંકા ગાંધી દાયકાઓ જૂના મિત્રો છે. નંદિતાએ કોંગ્રેસના મુખ્યાલય ‘ઇન્દિરા ભવન’ના ઇન્ટિરિયર ડિઝાઇનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આ વર્ષો જૂની મૈત્રી પારિવારિક સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે.
જોકે સગાઈની તારીખ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં એક ખાનગી સમારંભમાં બંનેની સગાઈ થઈ શકે છે. રાયહાન અને અવિવાની જોડી સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે અને ચાહકો તેમને આ નવા પ્રારંભ માટે અભિનંદન આપી રહ્યા છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
