News of Wednesday, 31st December 2025
શું નવા વર્ષે હડતાલ સમેટાશે? ઝોમેટો, સ્વીગી જેવી કંપનીઓએ વર્કર્સના ઈન્સેન્ટીવ વધાર્યા
ઝોમેટોએ દરેક ઓર્ડર પર ૧૫૦ની ઓફર આપીઃ સ્વીગીએ આકર્ષક બોનસ જાહેર કર્યુ : જો ડીલીવરી બોય પૂરી ક્ષમતા સાથે કામ કરે તો એક જ દિવસમાં ૩૦૦૦રૂ.થી વધુની કમાણીની ઓફર

અમદાવાદ, તા.૩૧: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ્યારે આખું ભારત પાર્ટીના મૂડમાં હશે, ત્યારે તમારા ઘર સુધી ગરમાગરમ જમવાનું પહોંચાડતા ડિલિવરી જવાનો માટે આ રાત કમાણીની ગોલ્ડન નાઈટ સાબિત થવાની છે. ગિગ વર્કર્સ યુનિયનો દ્વારા ૨૫ અને ૩૧ ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળના એલાનથી ગભરાયેલી સ્વિગી અને ઝોમેટો જેવી દિગ્ગજ કંપનીઓએ છેલ્લી ઘડીએ ડિલિવરી પાર્ટનર્સ માટે ઇનટેન્સિવમાં ધરખમ વધારો કર્યો છે. ઓર્ડર કેન્સલ થવા કે મોડા પહોંચવા બદલ લાગતા દંડને અસ્થાયી રૂપે હટાવી દેવામાં આવ્યો છે, જેથી હડતાળની અસર ઓછી કરી શકાય અને કામગીરી અવિરત ચાલુ રહે.
ઝોમેટોએ તેના ડિલિવરી પાર્ટનર્સને મોકલેલા ખાસ મેસેજમાં જણાવ્યું છે કે, સાંજે ૬ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીના પીક અવર્સમાં દરેક ઓર્ડર દીઠ રૂ.૧૨૦ થી રૂ.૧૫૦ સુધીનો વધારાનો પગાર આપવામાં આવશે. આટલું જ નહીં, જો ડિલિવરી બોય પૂરી ક્ષમતા સાથે કામ કરે તો તે એક જ દિવસમાં રૂ.૩,૦૦૦ થી વધુની કમાણી કરી શકે તેવી ઓફર મૂકવામાં આવી છે. કંપનીએ સૌથી મોટો વળાંક એ આપ્યો છે કે પીક અવર્સ દરમિયાન ઓર્ડર રિજેક્ટ કરવા બદલ જે દંડ વસૂલવામાં આવતો હતો, તે હવે માફ કરી દેવાયો છે. આ પગલાથી રાઇડર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ હડતાળ છોડી કામ પર પરત ફરે તેવી શકયતા વધી ગઈ છે.
બીજી તરફ, સ્વિગીએ પણ પાછળ ન રહેતા તેના કર્મચારીઓને ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન કુલ રૂ.૧૦,૦૦૦ સુધી કમાવવાની મોટી તક આપી છે. ખાસ કરીને ૩૧મીની રાત્રે ૬ કલાકના સમયગાળામાં જે રાઇડર્સ વધુ ઓર્ડર પૂરા કરશે, તેમને રૂ.૨,૦૦૦ સુધીનું સ્પેશિયલ બોનસ અલગથી આપવામાં આવશે. ઝેપ્ટો જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સે પણ આ હરીફાઈમાં ઝંપલાવ્યું છે અને પ્રોત્સાહનો વધાર્યા છે. આ તમામ કંપનીઓનો એક જ ઉદ્દેશ્ય છે કે વર્ષના સૌથી વ્યસ્ત દિવસે ગ્રાહકોને એપ પર નો સર્વિસના દ્રશ્યો ન જોવા મળે અને કંપનીની વિશ્વસનીયતા જળવાઈ રહે.
જોકે, મજૂર સંગઠનો હજુ પણ પોતાની માંગણીઓ પર અડગ છે. તેમનું કહેવું છે કે આ માત્ર એક-બે દિવસની લાલચ છે, જ્યારે તેઓ કાયમી વેતન વધારો અને સામાજિક સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ૨૫ ડિસેમ્બરે થયેલી હડતાળથી કેટલીક જગ્યાએ સેવાઓ ખોરવાઈ હતી, જેનો બોધપાઠ લઈને કંપનીઓએ આ વખતે કરોડો રૂપિયાના પ્રોત્સાહનો જાહેર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ૩૧મીની રાત્રે આ આર્થિક ઓફર્સ હડતાળને હરાવી શકે છે કે કેમ. ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે આ ખેંચતાણ વચ્ચે તેમને સમયસર ફૂડ મળવાની આશા વધી ગઈ છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
