<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ગુજરાતમાં ૧૩થી ૧૬ વર્ષની નાની ઉંમરે ૧.૬૩૩ દીકરીઓ સગર્ભા-માતા

રાજ્‍યના કેટલાક જિલ્‍લામાં બાળલગ્નનું પ્રમાણ અત્‍યંત ઊંચું: નાની વયે માતા બનવાથી દીકરી-સંતાનના જીવ જોખમમાં : NHFS-5 સરવેમાં બાળલગ્ન અંગે ૧૫ જિલ્‍લાની ચોંકાવનારી સ્‍થિતિ

 

નવી દિલ્‍હી,તા.૩૧: ગુજરાતમાં 'બેટી બચાવો'ના નારા વચ્‍ચે ચોંકાવનારી વાસ્‍તવિકતા સામે આવી છે. આરોગ્‍ય વિભાગ દ્વારા ઓકટોબર-નવેમ્‍બર ૨૦૨૫ દરમિયાન કરાયેલા સર્વે અને ૩ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ રજુ થયેલ સત્તાવાર ડેટા મુજબ ગુજરાતમાં ૧૩ થી ૧૬ વર્ષની કુલ ૧૬૩૩ દીકરીઓ સગભાં હોવાનું સામે આવ્‍યું છે. ગુજરાત કોંગ્રેસે આ દાવા સાથે જણાવ્‍યું છે કે, ગુજરાતમાં બાળલગ્નની ગંભીર સ્‍થિતિ અંગે નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે-૫ ના આંકડાઓ ભાજપ સરકારની સદંતર નિષ્‍ફળતા દર્શાવે છે કે, ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારા, ૨૦૦૬ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સરકારની આંખ સામે કાયદાનો ખુલ્‍લેઆમ ભંગ થઈ રહ્યો છે છતાં અસરકારક કાર્યવાહી દેખાતી નથી.

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે (NFHS-(૫)ના સત્તાવાર આંકડા અનુસાર વજસતામાં બાળલગ્નનો દર ૨૧.૮% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩% કરતા થોડો ઓછો હોવા છતાં, હકીકતમાં આ આંકડો સરકાર માટે શરમજનક છે. કારણ કે સર્વે સ્‍પષ્ટ રીતે બતાવે છે કે રાજ્‍યમાં જિલ્‍લાવાર ભારે અસમાનતા છે અને કેટલાક જિલ્‍લાઓમાં બાળલગ્નનું પ્રમાણ અત્‍યંત ઊંચું છે. ખેડા જિલ્‍લામાં બાળ લગ્નનું પ્રમાણ ૪૯.૨% નોંધાયું છે, જે રાજ્‍યમાં સૌથી વધુ છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગ જેવા જિલ્‍લાઓમાં બાળલગ્નનો દર ૩૦%થી વધુ છે. ૭અન્‍ય જિલ્‍લાઓમાં ૨૩% થી ૨૯.૯% વચ્‍ચે બાળલગ્નનું પ્રમાણ નોંધાયું છે.

નાની ઉંમરમાં માતા બનવાથી દિકરીઓ અને સંતાન બન્નેના જીવન જોખમમાં મુકાઈ રહ્યાં છે, એક તરફ ૯૫ ટકા મહિલાઓ કુપોષિત અને ૪૫ ટકા બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે તેમ છતાં સરકાર સતત આંખ આડા કાન કરી રહી છે. બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે અને સરકારની નબળી અમલવારીના કારણે હજારો દીકરીઓનું ભવિષ્‍ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. બાળલગ્ન સામે લડવા માટે માત્ર જાહેરાતો નહીં. પરંતુ મજબૂત અમલ જરૂરી છે. આટલી મોટી સંખ્‍યામાં બાળ સગર્ભાવસ્‍થાઓ છતાં સરકાર કેમ નિષ્‍ક્રિય છે? બાળ લગ્ન રોકવા માટે જવાબદાર અધિકારીઓ સામે કેટલી કાર્યવાહી થઈ? આરોગ્‍ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ વચ્‍ચે સંકલન ક્‍યાં છે?

દીકરીઓની સુરક્ષા માટેના બજેટ અને યોજનાઓ જમીન પર કેમ નથી દેખાતી? રાજ્‍યભરમાં તાત્‍કાલિક ઉચ્‍ચસ્‍તરીય ન્‍યાયિક તપાસ કરાવવામાં આવે. બાળ લગ્ન કરાવનાર અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી થાય. અસરગ્રસ્‍ત દીકરીઓ માટે આરોગ્‍ય, શિક્ષણ અને પુનર્વસન પેકેજ જાહેર થાય. દરેક જિલ્‍લામાં બાળ લગ્ન રોકથામ ટાસ્‍ક કોર્સ સક્રિય રીતે કાર્યરત કરવામાં આવે. સરકાર જાહેરમાં જવાબદારી સ્‍વીકારે અને સમયબદ્ધ એક્‍શન પ્‍લાન રજૂ કરે અને ઉચ્‍ચ પ્રભાવવાળા ૧૫ જિલ્‍લાઓમાં ખાસ એક્‍શન પ્‍લાન જાહેર કરે તે સહિતની વિવિધ માગણી કરવામાં આવી છે. (૪૦.૧૬)

ગંભીર સ્‍થિતિના આંકડા

જિલ્લો         સંખ્‍યા

વલસાડ       ૧૯૦

દાહોદ         ૧૩૩

જામનગર     ૯૦

મહેસાણા       ૭૮

સાબરકાંઠા     ૭૬

આણંદ         ૭૦

ડાંગ           ૭૦

ખેડા           ૭૦

અમદાવાદ શહેર      ૬૩

ભરૂચ          ૬૦

રાજકોટ        ૫૧

પંચમહાલ     ૫૦

અરવલ્લી      ૪૫

વડોદરા        ૪૧

અમરેલી       ૪૧

ગાંધીનગર     ૪૧

ભાવનગર     ૪૧

અમદાવાદ ગ્રામ્‍ય        ૪૦

(10:25 AM IST)