News of Wednesday, 31st December 2025
વિદેશની મિલકતો જાહેર કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો
વિદેશોમાં ખરીદેલી મિલકત છુપાવવા રિટર્નમાં બતાવતા નથી : અનેક લોકો બેંક ખાતા સહિતની જાણકારી રિટર્નમાં આપતા નથી

સુરત,તા.૩૧: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા દેશભરમાં કરદાતાઓએ વિદેશમાં વસાવેલી તેમની સંપત્તિઓની માહિતી આપે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત સહિત દેશભરના કરદાતાઓને ઈ-મેલ અથવા પત્ર મોકલીને સંદેશો મોકલવામાં આવી રહ્યો છે. રિવાઈઝ રિટર્નમાં પણ જે લોકો વિદેશની સંપત્તિઓ જાહેર નહી કરે તેમની સામે આવકવેરા વિભાગના કાયદા મુજબ ટેક્સ અને પેનલ્ટી સહિત મોટી રકમની વસૂલાત કરવામાં આવશે.
આવકવેરા વિભાગ, સુરતમાં આ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે તમામ કરદાતાઓની માહિતી ઉપલબ્ધ છે. જે લોકોએ વિદેશમાં સંપત્તિ ખરીદી છે. અથવા શેરબજારમાં રોકાણ કર્યું છે અથવા તો બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. આ તમામ ડેટા વિભાગ પાસે છે. તેથી કરદાતાઓને પણ તેમના રિટર્નમાં વિદેશની સંપત્તિની માહિતી આપવા માટે અપીલ કરવામાં આવે છે. જો વિદેશમાં બેંક એકાઉન્ટ હોય અને તેમાં ખુબ ઓછી રકમ હોય તો પણ રિટર્નમાં જાણકારી આપવી જોઈએ. અમુક લોકો અજાણ્યામાં આવી ભૂલ કરે છે જેમ કે કામધંધા અર્થે ગયેલા મોટાભાગના લોકો બેંક ખાતાની જાણકારી નથી આપતા, જોઈન્ટ એકાઉન્ટની માહિતીઓ છુપાવે છે અને જે માહિતી આપે છે તેમાં પણ અડધી-અધૂરી હોય છે. આવકવેરા વિભાગ પાસે કરદાતાઓના પાછલા તમામ વર્ષોના હિસાબ ખોલવાની સત્તા છે. વધુમાં અધિકારીઓનું કહેવુ હતું કે જો ભૂલમાં પણ કરદાતાઓ વિદેશી સંપત્તિની માહિતી નહી આપે તો તેને કાળુનાણુ માનીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ત્યારે મોટી ટેક્સ અને પેનલ્ટી માટે તૈયારી રાખવી પડશે તેથી રિવાઇઝ રિટર્નમાં તમામ ભૂલો સુધારવા માટેની અપીલ કરી હતી. વધુમાં અધિકારીઓનું કહેવું હતું કે અનેક લોકોએ તેમના નવા ઇમેલ આઇડી અને ફોન નંબર તેમજ એડ્રેસ નહી અપડેટ કરાવતા વિભાગની માહિતીઓ તેમના સુધી પહોંચતી નથી. છેવટે તેઓનેજ નુકશાની થાય છે.સેમિનારની અધ્યક્ષતા અન્વેષણ વિભાગના જોઇન્ટ કમિશનર (એફએઆઈયુ) સંજીવ રંજને કરી હતી, તેમજ એડીશનલ કમિશનર ( અન્વેષણ) દીપેન્દ્ર કુમારે માહિતી આપી હતી. અને ડેપ્યુટી કમિશનર અભિષેક ઓસવાલે કાયદાઓ વિશે સમજ પૂરી પાડી હતી. (૪૦.૧૪)
રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારા ચેતજો
થોડા સમય પહેલા આવકવેરા વિભાગ દ્વારા દેશભરમા મોટી સંખ્યામાં સીએ. ટેક્સ પ્રેક્ટિશનર અને કરદાતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી પાર્ટીઓને ફંડ આપનારાઓ તેમજ ડોનેશનના નામ પર ખેલ કરનારાઓને વિભાગે સાણસામાં લીધા હતા. હાલ આવા કેસમાં શામેલ હોય તેવા તમામ લોકોને પણ રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટેની અંતિમ તક છે. રિવાઇઝ રિટર્નમાં જો તેઓ ડોનેશન સહિતની તમામ માહિતીઓ આપી દેશે તો તેમને ટેક્સ તેમજ વ્યાજ અને પેનલ્ટીની રકમ સાથે ઇન્કમટેક્સની કાર્યવાહી સામે થોડી રાહત મળી શકે છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
