<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કાલથી અનેક નાણાકીય અને વહીવટી નિયમોમાં મોટા ફેરફારો થશે

ફેરફારોની સીધી અસર તમારા રસોડાના બજેટથી લઈને કાર ખરીદવાના સપના સુધી પડશે

નવી દિલ્‍હી, તા.૩૧: વર્ષ ૨૦૨૫ હવે વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી ૨૦૨૬નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી તારીખથી અનેક નાણાકીય અને વહીવટી નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા રસોડાના બજેટથી લઈને કાર ખરીદવાના સપના સુધી પડશે. ચાલો જાણીએ કયા છે એ ૧૦ મોટા ફેરફારો જે તમારા ખીચ્‍ચા પર ભારણ વધારી કે ઘટાડી શકે છે.

પાન-આધાર લિંકિંગઃ જો તમે ૩૧ ડિસેમ્‍બર સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી તમારું પાન કાર્ડ નિષ્‍ક્રિય થઈ જશે. આના કારણે બેન્‍કિંગ વ્‍યવહારો અને ITR રિફંડમાં સમસ્‍યા આવી શકે છે.

LPG ના ભાવઃ દર મહિનાની જેમ ઓઈલ કંપનીઓ ૧ તારીખે ગેસના ભાવ જાહેર કરશે. કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્‍ડરના ભાવમાં ફેરફાર થવાની શકયતા છે, જે ગળહિણીઓના બજેટને અસર કરી શકે છે.

કારના ભાવમાં વધારોઃ જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે BMW, ટાટા મોટર્સ, હોન્‍ડા અને નિસાન જેવી કંપનીઓએ પોતાની કારના ભાવમાં ૩% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

એર ટર્બાઇન ફયુઅલ (ATF): નવા વર્ષની શરૂઆતમાં જેટ ફયુઅલના ભાવમાં ફેરફાર થવાથી વિમાનની ટિકિટના દરોમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. તેની સાથે જ CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થવાની શકયતા છે.

ઇન્‍કમ ટેક્‍સ એક્‍ટ ૨૦૨૫: સરકાર ૧ જાન્‍યુઆરીથી નવા ITR ફોર્મ અને નિયમોની જાહેરાત કરી શકે છે. આ નવો કાયદો ૧૯૬૧ના જૂના ટેક્‍સ કાયદાનું સ્‍થાન લેશે, જે ટેક્‍સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.

૮મું પગાર પંચ કેન્‍દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર એ છે કે ૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી ૮મું પગાર પંચ લાગુ થઈ શકે છે. જોકે, પગાર વધારાનો વાસ્‍તવિક લાભ મળતા થોડો સમય લાગશે, પરંતુ તેની ગણતરી આજથી જ અમલી બનશે.

પીએમ કિસાન યોજનાઃ નવા વર્ષમાં ઉત્તર પ્રદેશ જેવા રાજ્‍યના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ‘યુનિક કિસાન આઈડી' રાખવી ફરજિયાત બનશે. વળી, જંગલી જાનવરોથી થતા પાક નુકસાનના વીમા કવરેજમાં પણ રાહત આપવામાં આવી છે.

નાણાકીય સુરક્ષાઃ ઓનલાઇન ફ્રોડ રોકવા માટે UPI અને ડિજિટલ પેમેન્‍ટના નિયમો વધુ કડક કરવામાં આવશે. વોટ્‍સએપ અને ટેલિગ્રામ જેવા પ્‍લેટફોર્મ પર થતી છેતરપિંડી રોકવા સિમ વેરિફિકેશન પ્રક્રિયા આવનાર વર્ષ સઘન બનાવવામાં આવશે.લોન અને એફડીઃ SBI અને HDFC જેવી બેંકોના લોન દરોમાં ઘટાડો આજથી અમલી બનશે, જ્‍યારે ફિક્‍સ્‍ડ ડિપોઝિટ (FD) ના નવા વ્‍યાજ લાગુ કરવામાં આવશે. જેની સીધી અસર તમારા રોકાણો પર પડી શકે છે.

ઓસ્‍ટ્રેલિયામાં ઝીરો ટેરિફઃ  ઓસ્‍ટ્રેલિયામાં નિકાસ કરતા વેપારીઓને ૨૦૨૬ની શરૂઆતમાં કેન્‍દ્ર સરકારી ખુશીના સમાચાર આપ્‍યા છે. ભારતમાંથી ઓસ્‍ટ્રેલિયા નિકાસ થતી ૧૦૦% ચીજવસ્‍તુઓ પર કોઈ ટેરિફ નહીં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જાન્‍યુઆરીમાં બેંકો બંધઃ નવા વર્ષના પહેલા મહિને મકર સંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સહિત કુલ ૧૬ દિવસ બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ તેની વેબસાઇટ પર બેંક રજાઓની યાદી અપલોડ કરી છે. તેથી, આવતા મહિને બેંકના કામ માટે બહાર જતા પહેલા તેને તપાસવી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ગ્રાહકોએ ઓનલાઇન વહીવટ કરી શકે છે.

(3:03 PM IST)