News of Wednesday, 31st December 2025
અન્યને અનુસરવામાં ગુજરાત અગ્રેસરઃ પૂ.પારસમુનિ
ગોંડલ સંપ્રદાયના મહામંત્રી પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.ના ‘‘અકિલા''ના આંગણે પગલા સમજયા વગરનું અનુકરણ જીવનને પ્રતિકુળતા આપે છેઃ તહેવારો- ધાર્મિક પરંપરાના મૂળ હેતુ ભૂલાઇ ગયાઃ ૨૦૨૬નું વર્ષ અહંકારનું છે, અશાંતિ વધશેઃ રાહુ કે સૂર્ય પ્રભાવી બનશેઃ મુનિશ્રીએ રાજનીતિ, ધર્મ, સમાજ વગેરે મુદે નિખાલસ ચર્ચા કરી

રાજકોટ તા.૩૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય પૂ.સદગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા.એ આજે ‘‘અકિલા'' ખાતે પાવન પધરામણી કરી હતી. ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાએ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ને ભાવથી આવકાર્યા હતા.
પૂ.શ્રી પારસમુનિ મ.સા.એ રાજકારણ,, ધર્મ, શિક્ષણ, સારવાર, દારૂ-ડ્રગ્સના દુષણો, આવનાર વર્ષનો પ્રભાવ સહિતના મુદે ખુલીને વાત કરી હતી. પૂ.શ્રીએ સમાજમાં જાગૃતિ લાવવા માટે ભાર મૂકયો હતો.
પૂ.શ્રીએ જણાવેલ કે, આવનાર ૨૦૨૬ના વર્ષમાં અહંકારનો ટકરાવ થશે. કેમ કે આ અંક (૨૬) રાહુનો છે. જેમાં લોકો ખોટુ કરશે અથવા ખોટાને સપોર્ટ કરશે. જો તમે ૨૦૨૬ લખશો તો તેનો સરવાળો ૧ થશે. જે સુર્યનો અંક છે. જેનાથી અહમ વધે. રાજકીય પક્ષોમાં સ્ટેબીલીટી અને વર્ચસ્વ આવી શકે છે.
જયારે ચાલુ વર્ષ કેતુનું હતુ એટલે રાજકીય રીતે અનેક સતાપક્ષના લોકોની અપેક્ષા પુરી થઇ નહી. જો સતાપક્ષની સંગઠન રચના એક અઠવાડીયુ મોડી હોત તો આટલો ફેરફાર ન થયો હોત.
દેશમાં વધતા ધાર્મિક ઝનુન અંગે પૂ.શ્રીએ જણાવેલ કે, વ્યકિતની પોતાની અજ્ઞાન દશાના કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે. ધર્મ સ્વતંત્ર છે પણ તેને થોપી દેવાતા અજ્ઞાનતામાં જે આપવામાં આવે છે તે લોકો સ્વીકારે છે. આ માટે લોકોએ સ્વયંમ જાગૃત થવુ જરૂરી છે.
આઝાદી પૂર્વેના લોક જુવાળની જેમ ધાર્મિકતા માટે રૂઢીચુસ્તા, અંધશ્રધ્ધામાંથી બહાર નિકળવું જરૂરી છે. પ્રાદેશીક સ્વતંત્ર મેળવવી સહેલી છે કેમકે તેમાં શારીરીક અત્યાચાર વધુ હોય છે જયારે ધાર્મિક બાબતોમાં મન-બુધ્ધીની પરતંત્રતા હોય છે. જે બહાર દેખાતી નથી જેથી તેની સામે લડવું મુશ્કેલ બની જાય છે.
આપણા સમાજમાં ૫૦ વર્ષે ભોજન વ્યવસ્થા પરિવર્તન, ૧૦૦ વર્ષ જુના બાંધકામ માં બદલાવની સાથે ૫૦૦ વર્ષ બાદ ધર્મના મૂળભૂત હેતુમાં બદલાવ આવે છે. પૂજય કે આરાધ્યના મૂળભૂત ઉપદેશ કે આદેશમાં ફેરફાર થાય છે. ધાર્મિક ઉત્સવોનો હેતુ ચાલ્યો ગયો છે, જેથી સમાજના દરેક વર્ગે આગળ આવવું પડશે અને સમાજના આગલી હરોળના લોકોએ જાગવું પડશે.
આપણે આપણા ઉત્સવોનો હેતુ ભુલી પヘમિી સંસ્કૃતિને અનુસરવા લાગ્યા છીએ. ધુન-ભજન-કિર્તનને બદલે આપણામાં ડાન્સનો ફેલાવો થયો છે. આપણે હાથથી જમવાને બદલે ચમચીનો ઉપયોગ કરવા લાગ્યા. જેથી શરીરમાં જતું અનાજ પાચન થવાને બદલે વાયુ-પિતની પ્રકૃતિ ઉત્પન્ન કરવા લાગ્યું છે. ગુજરાતીઓ અન્યના જીવન પધ્ધતિનું અનુસરણ કરવામાં ચૂકતા નથી.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ગુજરાતના સોૈ પ્રથમ તકતી વગરના ઉપાશ્રયનું ઉદઘાટન તથા દુબઇના ૧૧ અને ૧૪ વર્ષના જૈનમ તથા જીવીકાના જૈનિઝમ વિશે મોટીવેશનલ સ્પીચનો સેમિનાર યોજાનાર છે. તથા ફેબ્રુઆરી માસમાં પૂ.પારસમુનિ મ.સા.ની એક વર્ષીય અખંડ મોૈન સાધનાનો પણ પ્રારંભ થનાર છે. જેની વિગતો નીચે મુજબ છે.
તકતી વગરનું ધર્મસ્થાનક
ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામી નાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવ પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્યમાં જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન સંચાલિત શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તા. ૧૧ જાન્યુઆરી રવિવારે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલાવાળા હાલ મુંબઈ શ્રી ભાનુમતીબેન વનેચંદ પારેખ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ની ઉદ્ઘાટન વિધિ રાખવામાં આવેલ છે.
જેમાં મુખ્ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થાય છે. ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેન ની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત થયેલ છે. સમસ્ત ગુજરાતમાં સૌ પ્રથમવાર તકતી મુક્ત ઉપાશ્રયનું નવનિર્માણ થયું. ૨૦૨૧ માં સદગુરુદેવે જણાવેલ કે જૈન સમાજનું સ્થાન ઉત્થાન તો જ શકય છે, જો ધર્મસ્થાનકો તકતી મુક્ત બને અને પ્રોગ્રામો સ્ટેજ મુક્ત બને. પ્રોગ્રામ સ્ટેજ મુક્ત બનાવવા સહેલા છે, પરંતુ ધર્મસ્થાનક તકતી મુક્ત કરવા મુશ્કેલ છે. આજે સદગુરુદેવ ની ભાવના સાકાર થઈ.
ઉપાશ્રયની અંદરમાં કોઈનાં પણ નામની તકતી લગાવવામાં આવેલ નથી. સાધુચર્યા ને સાનુકૂળ બને તેવા વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્યકતાની પૂર્તિ કરે તેવા ઉપાશ્રય સ્વરૂપ જૈન ધર્મસ્થાનકનું નિર્માણ થયું છે. જૈન ધર્મસ્થાનક નાં ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય ઉદઘાટક ધીરજલાલ કાંતિલાલ જૈન, મમતાબેન જૈન, જૈનમ - જીવિકા જૈન દુબઈનાં હસ્તે થશે.
તા. ૧૧ જાન્યુઆરી રવિવારે ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, જશ - ઉત્તમ - પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત સતીરત્નો પધારશે. સર્વ સંઘો, દિલેર દાતાશ્રીઓ, જૈન અગ્રણીઓ તથા સર્વે શ્રાવક શ્રાવિકાઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. રૂડાનગર - ૩ આદિત્ય વનની સામેની શેરી, ઇસ્કોન મંદિરની બાજુમાં, રૂડાનગર શેરી નં. ૧, કાલાવડ રોડ રાજકોટ.
જૈનીઝમ સેમીનાર
રાજકોટ શહેરમાં સૌ પ્રથમવાર તા. ૧૦ જાન્યુઆરી શનિવારે સાંજે ૫ કલાકે જૈનમ - જીવિકા જૈન દ્વારા આત્મીય વિશ્વવિદ્યાલયનાં ઓડિટોરિયમ માં જૈનીઝમ પર એક સેમિનાર રાખવામાં આવ્યો છે. જેમાં જૈન ધર્મ શું છે? જૈન ધર્મ જીવનમાં અપનાવવાથી તમારા જીવનમાં શું ફેરફાર આવે છે? જૈન ધર્મ તમે પણ તમારાં રોજિંદા જીવનમાં કેવી રીતે સરળતાથી અપનાવી શકો છો? જૈન ધર્મમાં પાંચ પર્વતિથિ નું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? તેની શરીર અને મન પર શું અસર થાય છે? જૈન ધર્મ અમે કેવી રીતે અમારાં જીવનમાં લાવ્યા? અને તેનાથી અમોને શું લાભ થયો? આદિ વિષય પર મનનીય વક્તવ્ય આપશે.
માત્ર ૧૪ વર્ષનાં જૈનમ જૈન અને ૧૧ વર્ષની જીવિકા જૈન બંને ભાઈ - બેન અનેક સુખ સુવિધા વચ્ચે પણ જૈનીઝમ વિશે મોટીવેશનલ સ્પીચ આપી જૈનીઝમ નાં મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે વિખ્યાત છે. તેને સાંભળવા એક લ્હાવો છે.
દરેક જૈનો એ વહેલા તે પહેલાંનાં ધોરણે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવી અવશ્ય આ સેમિનારમાં પધારવું. ખાસ આપનાં બાળકો ને લાવવા જેથી તેને પ્રોત્સાહન મળે કે હું પણ કંઇક બની શકું છું. સેમિનાર ફ્રીમાં છે. સ્થળઃઆત્મીય વિશ્વવિદ્યાલય, ઓડિટોરિયમ કાલાવડ રોડ,રાજકોટ સંપર્ક ૯૧ ૯૮૨૫૮ ૮૨૫૭૯.
જૈન ભોજનાલયને ૩ વર્ષ પૂર્ણ
જૈન સંકલ્પ ટ્રસ્ટ - મુંબઈ અને જીવો - રાજકોટનાં સંયુક્ત સાહસ સ્વરૂપ જૈન ભોજનાલય - રાજકોટને ત્રણ વર્ષ પુરા થયા. ત્રણ વર્ષમાં ૫,૮૩,૮૨૧ સાધર્મિકોએ લાભ લીધેલ છે.
પૂ.પારસમુનિ મ.સા.ની મોૈન સાધના
પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ મહાશિવરાત્રિ તા. ૧૫ ફેબ્રુઆરી-ર૬ રવિવારથી મહાશિવરાત્રિ તા. ૭ માર્ચ-૨૦૨૭ સુધી અખંડ મૌન ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે ગુરુભક્તો અને શ્રી વણિક જૈન સંઘ - કાલાવડ દ્વારા આરાધના અનુમોદના અવસરનો કાર્યક્રમ તા. ૧પ ફેબ્રુઆરીનાં રાખવામાં આવેલ છે. જેમાં સર્વે સંઘો, ગુરુભકતો અને શ્રાવક શ્રાવિકાઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. તેમ જીવોનાં પ્રેસિડેન્ટ શ્રી મયુર શાહની યાદીમાં જણાવ્યું છે.
અકિલા કાર્યાલય ખાતે પૂ.પારસમુનિ મ.સા.એ પધરામણી કરી આશિવર્ચન પાઠવ્યા હતા તથા માંગલિક ફરમાવ્યુ હતું.
પરિવારને પ્રેમ-સમય આપો પુત્ર-પુત્રી આડી લાઇને ચઢે છે, તેના કારણમાં જવું જરૂરી : પૂ. પારસમુનિ
રાજકોટ, તા. ૩૧ : યુવા પેઢી વિધર્મી તરફ ખેચાય છે. પુત્ર-પુત્રી આડી લઇને ચઢી જાય છે. આ બાબતના પ્રશ્નના જવાબમાં પૂ. પારસમુનિજીએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નો બિહામણા બનીને આવ્યા છે. પ્રશ્નોનું નિરાકરણ કરવા તેના કારણોમાં જવું જરૂરી છે.
સંતાનોને પૂરતો પ્રેમ અને સમય આપવો જરૂરી છે. પરંપરા-સંસ્કાર અને સમજનો દૃષ્ટિકોણ પણ આપવો પડે. ઝડપી યુગમાં વ્યસ્તતાના કારણે વાલીઓ -વડીલો સંતાનોને માત્ર સુવિધા આપે છે.
મુનિશ્રીએ જણાવ્યું હતું કે, દરેક વાલી વિચારે છે કે, મેં સંઘર્ષ કર્યો તેવો મારા સંતાનોને કરવા નહિ દઉ. આ માટે ગજાબહારનો ખર્ચ કરીને સંતાનને સુખ-સુવિધા-અનુકુળતા કરી આપે છે. જે સંતાનને સંઘર્ષનો ખ્યાલ જ ન હોય તેની માનસિકતા કેવી બને ? સંતાન પરિવારથી વિમૂખ બનવા લાગે છે. બહારની દુનિયામાં સારા-ખરાબનો પણ ખ્યાલ રહેતો નથી. આ કારણે બાળકો આડી લાઇને ચઢી જાય છે.
ભાજપ નૈતિકતા તરફ પ્રયાણ કરે
ટોચની નેતાગીરીથી માંડીને સામાન્ય કાર્યકરના સંતાનોને સરકારી શિક્ષણ અને સરકારી હોસ્પિટલની સારવાર ફરજિયાત
કરોઃ અન્ય પક્ષોએ પણ અનુસરવું ફરજિયાત બનશે
રાજકોટ, તા.૩૧: મુલાકાત દરમ્યાન પૂ.પારસમુનિજી એ નૈતિકતા પર ભાર મુકતા કહયું હતું કે, રાજનીતિ રાષ્ટ્રનું મહત્વનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં નૈતિકતાનો સંકલ્પ થવો જોઈએ.
૨૦૨૬ના નવા વર્ષના પ્રારંભે નૈતિકતા તરફ વળવા માટે કામ કરવું જરૂરી છે. શાસકપક્ષે નિર્ણય કરવો જોઈએ કે, સામાન્ય કાર્યકરથી માંડીને ટોંચના નેતાઓએ આરોગ્ય અને શિક્ષણ માટે સરકારી સેવાનો જ ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ.
પૂ.મુનિશ્રીએ જણાવ્યુંહતું કે ભાજપ વિશ્વનો સૌથી મોટો પક્ષ છે અને ભારતમાં મજબૂત શાસન આપે છે. મોદીજી જેવા નેતાઓ પાસે નૈતિકતાની આશા રાખી શકાય તેમ છે. ભાજપના કાર્યકરો અને નેતાઓના સંતાનો માટે સરકારી શિક્ષણ ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત ભાજપના નાનામાં નાના સભ્યો-નેતાઓની તમામ આરોગ્યો સારવાર સરકારી હોસ્પિટલોમાં થવી જોઈએ.
શાસકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્ય સેવાના દાવા થાય છે, તો શાસક પક્ષ તેનાથી દૂર કેમ રહે છે? મુનિજીએ જણાવ્યું હતું કે, શાસક પોતાના સભ્યો-નેતાઓ માટે આ નિયમ બનાવે તો સરકારી શિક્ષણ અને આરોગ્ય સેવા બંને સુધારે અને સામાન્ય માણસને પણ તેનો લાભ પ્રપ્ત થાય.
પૂ.મુનિશ્રીએ જણાવ્યું હતું કે ભાજપ વિશ્વનનો સૌથી મોટો અને ભારતમાં પ્રભાાવી પક્ષ છે. આ પક્ષ નૈતિકતા તરફ વળવાનો પ્રારંભ કરે તે અન્ય પક્ષોએ અને અન્ય ક્ષેત્રોએ પણ અનુસરવું પડશે અને દેશમાં નૈતિકતાનો માહોલ સર્જાશે. નૈતિકતા મોટું બળ છે. આ બળ દેશને સર્વોચ્ચ શિખરે લઈ જવા ઉપયોગી બનશે.
સાધના કંઇ પ્રાપ્ત કરવા માટે ન હોય
સાધના-આરાધનાથી પોતાનામાં રહેલા દુર્ગુણો દૂર થાય છે અને અંદર રહેલી દિવ્યતા ઝગમગવા લાગે છે
રાજકોટ તા. ૩૧ :.. પૂ. પારસમુનિજી એક વર્ષની મૌન સાધનમાં જઇ રહ્યા છે. આ સાધના દરમિયાન તેઓ શ્રી ઇષ્ટનું સ્મરણ-ધ્યાન વગેરેમાં મત રહેશે. દરરોજ માત્ર એક કલાક લોકોને મળશે, પણ આ દરમિયાન તેઓ વાત નહિ કરે. કંઇ પ્રશ્ન હોય તો લેખિતમાં પ્રત્યાયન થશે.
સાધના અંગે પોતાના વિચારો વ્યકત કરતા મુનિશ્રીએ જણાવ્યું હતું કે, કંઇક પ્રાપ્ત કરવા માટે સાધના નથી હોતી. સાધના દ્વારા ખુદના દુર્ગુણો દૂર કરવાના હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહમ વગેરે અવગુણો સાધના માર્ગે છૂટતા જાય. આ શુધ્ધિકરણની પ્રક્રિયા છે.
મુનિશ્રીએ કહ્યું હતું કે, પૂર્ણ શુધ્ધિકરણ થયા બાદ ખુદની અંદર રહેલી દિવ્યતા આપોઆપ ઝગમગવા લાગે છે. તેને સાધનાનો ચળકાટ કહેવાય કાદવમાં કમળ ખીલે તે કેટલું દિવ્ય-ભવ્ય લાગે છે. માણસની અંદર રહેલા દુર્ગુણો-અશુધ્ધિઓનું શુધ્ધિકરણ થાય તે જ સાધનાનો માર્ગ છે. સાધનામાં કંઇ પ્રાપ્ત કરવાનું નથી, નકામુ ગુમાવવાની પ્રક્રિયા છે.
સાધના બાદ પણ દુર્ગુણો અનુભવાય તો માનવું કે સાધના હજુ અધુરી છે. સાધના બાદ દુર્ગુણો વધે તો એ માર્ગ હજુ સમજાયો નથી, તેમ સમજવું.
પૂ.પારસમુનિજી મ.સા. એક વર્ષની મૌન સાધનામાં જઈ રહયા છે. હાલ તેઓ રાજકોટ વિહાર કરી રહયા છે. તેઓ શ્રી આધ્યાત્મિક ટોંચે અને ચિંતનની ઊંડાઇએ બિરાજમાન છે. જૈનો જ નહિ, જૈનેતરો પણ મુનિશ્રીના અભિપ્રાયને અનુસરી રહ્યા છે.
મુનિશ્રી કાલાવડમાં પોતાના સ્થાને મૌન સાધના પ્રારંભ કરનાર છે. તેઓએ કહ્યું હતું કે, સાધનાના છેલ્લા સ્તરે ઇષ્ટમાં એટલું એકાકાર થવાનું હોય કે, ખુદ અને ઇષ્ટ વચ્ચે કોઇ ભેદ ન રહે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
