News of Wednesday, 31st December 2025
વાયરલ વીડિયોમાં પ્રિયંકા ગાંધીના પ્રચારમાં રેહાન સાથે જોવા મળી ભાવિ પુત્રવધૂ અવિવા: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા અને અવિવા બેગની સગાઈના સમાચાર
ગાંધી પરિવારમાં વાગશે શરણાઈઓ!: ૭ વર્ષનો ગાઢ પ્રેમ હવે લગ્નગ્રંથિમાં પરિણમશે: રાજકારણ અને ગ્લેમર જગતમાં ચર્ચાઓ તેજ

નવી દિલ્હી, તા.૩૧: ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારોમાંના એક એવા ગાંધી-વાડ્રા પરિવારમાંથી ટૂંક સમયમાં જ શરણાઈઓના સૂર સંભળાઈ શકે છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના મોટા પુત્ર રેહાન વાડ્રાની સગાઈના અહેવાલોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. રેહાને પોતાની લોન્ગ-ટર્મ ફ્રેન્ડ અને પ્રોફેશનલ ફોટોગ્રાફર અવિવા બેગ સાથે જીવનની નવી સફર શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.
જોકે, ગાંધી કે વાડ્રા પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કપલ હાલમાં રાજસ્થાનમાં પરિવાર અને નજીકના મિત્રો સાથે આ ખુશીની ક્ષણોની ઉજવણી કરી રહ્યું છે. રેહાન અને અવિવા છેલ્લા ૭ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.
જૂનો વીડિયો થયો વાયરલ: જ્યારે સાસુના પ્રચારમાં ઉતરી હતી અવિવા
હાલમાં સોશિયલ મીડિયા પર કેરળના નાઈકેટ્ટીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ૪૦ સેકન્ડના વીડિયોમાં રેહાન વાડ્રા ભારે સુરક્ષા વચ્ચે જોવા મળે છે અને તેમની સાથે અવિવા બેગ પણ નજરે પડે છે. આ વીડિયો પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર સમયનો છે, જે સૂચવે છે કે અવિવા ઘણા સમયથી પરિવારના દરેક સુખ-દુઃખમાં સહભાગી બની રહી છે.
કોણ છે અવિવા બેગ?
અવિવા બેગ દિલ્હીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ઇમરાન બેગ અને જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર નંદિતા બેગની પુત્રી છે. નોંધનીય છે કે નંદિતા બેગે જ કોંગ્રેસ મુખ્યાલય 'ઇન્દિરા ભવન'નું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું હતું. અવિવાએ દિલ્હીની મોર્ડન સ્કૂલ અને ત્યારબાદ સોનીપતની ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મીડિયા અને કોમ્યુનિકેશન્સમાં અભ્યાસ કર્યો છે. હાલમાં તે પોતાનો ફોટોગ્રાફિક સ્ટુડિયો અને પ્રોડક્શન કંપની સફળતાપૂર્વક ચલાવી રહી છે.
બીજી તરફ, રેહાન વાડ્રા પોતે પણ એક કુશળ કલાકાર અને ફોટોગ્રાફર છે. કલા પ્રત્યેનો આ સમાન પ્રેમ જ કદાચ આ બંનેને એકબીજાની નજીક લાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધી પરિવાર આ ગ્લેમરસ જોડીના લગ્નની સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
